નીતા મહેતા
- સંસ્કૃતિ એટલે સંસ્કારોનું સિંચન…
- પ્રકૃતિથી ઉપર ઉઠવું એટલે સંસ્કૃતિ…
- જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ…
માનવીના જીવનની વિકાસ ગાથા ગાતું અને સમાજનું અસ્તિત્વ ધરાવતું વાસ્તવિક ચિત્ર એટલે સંસ્કૃતિ. સમાજ ને એક તાંતણે બાંધી રાખતી આ સંસ્કૃતિ જ છે. આપણા ઇતિહાસમાં ભારતની અનેક સંસ્કૃતિ જોવા મળે છે, જેવી કે આર્ય સંસ્કૃતિ, દ્રવિડ સંસ્કૃતિ, જૈન સંસ્કૃતિ, બૌદ્ધ સંસ્કૃતિ, હડપ્પા સંસ્કૃતિ, સિંધુ ખીણ સંસ્કૃતિ, મોહે- જો દડો ની સંસ્કૃતિ વગેરે. ભારતીય સંસ્કૃતિમાં કલા, કૌશલ્ય, ઉદ્યોગો, વિજ્ઞાન અને ખેતી એ ભારતને વારસા માં મળેલ છે.
ભારત દેશ એ વિશ્વનો એક એવો દેશ છે કે જ્યાં અલગતા માં એકતા જોવા મળે છે. ધર્મ, જાતિ, ભાષા, રીત રિવાજ, રહેણી કરણી, ખાણી પીણી અને પહેરવેશ આ બધું અલગ અલગ હોવા છતાં, લોકો એકબીજાને અપનાવીને, એક સાથે રહે છે. આ જ મૂળ ભારતીય સંસ્કૃતિ છે.
ભારત સંત શૂરા ની ભૂમિ છે. ધર્મની સાથે સાથે કર્મમાં માનનારો દેશ છે. અહીંયા અહિંસાના પૂજારી ભગવાન શ્રી મહાવીરે જન્મ લીધો છે, તો ફળની આશા રાખ્યા વિના કર્મ કર્યે જવાનું ભગવાન શ્રીકૃષ્ણ એ અર્જુનને કહીને મહાભારત જેવા યુદ્ધ પણ લડાવ્યા છે. ભારત દેશ સનાતનધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ અને સિંધી ધર્મો નાં જનક કહેવાય છે. સ્વામી વિવેકાનંદ થી લઈને મહાત્મા ગાંધી જેવી મહાન વિભૂતિ ઓ હોય કે પછી જલારામ બાપા થી લઈને પ્રમુખસ્વામી જેવા મહાન સંત હોય, જેને ભારતમાં જન્મ લઈને વિશ્વના ઇતિહાસના પાનાઓમાં નામ નોંધાવ્યા છે.
ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ગમે તેટલા સંકટ વચ્ચે પણ ભારતે તેની પ્રાધાન્યતા ટકાવી રાખી છે. સાથે સાથે વેપાર ધંધામાં પણ ભારત વિકાસ કરતું જાય છે. ઉત્પાદન ક્ષેત્રે પણ ભારત હરણફાળ પ્રગતિ કરી રહ્યુ છે. અદાણી, અંબાણી અને ટાટા જેવા નામો વિશ્વ પ્રસિદ્ધ બન્યા છે.
અહીંયા ગાયને માતા કહે છે અને નાગને દેવતા કહે છે. પર્વતોને પિતા અને નદી ને માતા કહેવાય છે. આપણા વેદ પુરાણ મુજબ 5000 વર્ષ પહેલાંની જૂની ભારતીય સંસ્કૃતિ આ સંસાર ની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ આપણને ઋષિ- મુનિઓ દ્વારા મળેલ છે. વેદો, ઉપનિષદો, પુરાણો, ગીતા, રામાયણ, મહાભારત વગેરેનો ઉલ્લેખ આપણી સંસ્કૃતિના પ્રાચીન કાળથી થતો આવ્યો છે.
ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન વિદ્યાપીઠો માં આયુર્વેદ, કૃષિ- વિજ્ઞાન, સંગીત, જ્યોતિષ, સર્પ વિદ્યા, ઔષધશાસ્ત્ર, નૃત્ય વગેરે જેવા ઘણા વિષયો શીખવવામાં આવતા હતા. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયમાં સંગીતનું અનેરૂ મહત્વ હતું. દિપક રાગ ગાઈને તાનસેને દીવડા પ્રગટાવ્યાં હતા, તો મલ્હાર રાગ ગાઈને તાનારીરી એ વરસાદ વરસાવ્યો હતો.
આમ ભારતે દુનિયામાં સાબિત કરી બતાવ્યું છે કે ભારતીય સંસ્કૃતિ લાજવાબ છે. ખાસ કરીને કોરોના આવ્યા પછી વિશ્વ ભારતની સંસ્કૃતિનું અનુકરણ કરવા લાગ્યું છે. યોગ અને ધ્યાન એ ભારતીય સંસ્કૃતિનું સૌ પ્રથમ ચરણ છે, અને ધર્મ એજ વિજ્ઞાન છે. સદગુરુ જગ્ગી વાસુદેવે પણ કહ્યું છે કે મંદિરો સહસ્ત્રબ્દીથી માનવ ચેતનાને જાગ્રત કરવાનું કામ કરી રહ્યા છે. અને તેના સર્જન પાછળના વિજ્ઞાનની પણ શોધ કરે છે. તેથી આજનાં વિજ્ઞાન નું મૂળ ધર્મ છે અને એ ધર્મ ઋષિમુનિઓ દ્વારા આપણને મળેલ ભારતીય સંસ્કૃતિ છે.