રાજકોટમાં નિર્માણ પામેલ મહાત્મા ગાંધી મ્યુઝીયમ પૂ. બાપુને સાચી શ્રધ્ધાંજલિ રૂપે એક અનોખી અને ઐતિહાસિક પહેલ બની રહી છે. પૂજ્ય બાપુએ જ્યાં અભ્યાસ કર્યો છે તે આલ્ફ્રેડ હાઈસ્કુલમાં બનેલા આ મ્યુઝીયમની દેશ-વિદેશના પ્રવાસીઓ મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે રાજકોટના આ ગાંધી મ્યુઝીયમમાં મુલાકાતીઓ માટે કાલથી ૩ દિવસ પ્રવેશ ફ્રી કોર્પોરેશન દ્વારા અપાઈ રહ્યો છે.
ગાંધી મ્યુઝિયમમાં પહેલાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ ચાલતી
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું બાળપણ રાજકોટના કબા ગાંધીના ડેલામાં વીત્યું, ત્યારે અભ્યાસ આલ્ફ્રેડ હાઇસ્કૂલ તરીકે ઓળખાતી રાજકોટની સ્કૂલમાં કર્યો હતો. આઝાદી પહેલાં સૌરાષ્ટ્રમાં 300થી વધારે રજવાડાં હતાં. અને રાજકોટ મધ્યમ કદનું રજવાડું હતું. 1853ની સાલમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ હાઇસ્કૂલ બની, જેનું નામ રાજકોટ ઇંગ્લિશ સ્કૂલ રાખવામાં આવ્યું હતું. આ સમયે હાઇસ્કૂલ બ્રિટિશ એજન્સી ચલાવતી હતી. પ્રારંભમાં 40 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. હાઇસ્કૂલના પ્રથમ આચાર્ય ભોગીલાલ પ્રાણવલ્લભદાસ હતા. 1866માં આ શાળાનું મુંબઇ યુનિવર્સિટી સાથે જોડાણ થયું.