રોકાણકારોમાં હરખની હેલી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જબ્બર ઉછાળા: અમેરિકી ડોલર સામે રૂપિયામાં મજબૂતી
રક્ષાબંધનના પાવન દિવસે આજે ભારતીય શેરબજારમાં તેજીનો તોખાર જોવા મળ્યો હતો. સેન્સેક્સે 59 હજારની સપાટી પાર કરતા રોકાણકારોમાં હરખની હૈલી વ્યાપી જવા પામી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે દિવસ દરમિયાન તોતીંગ ઉછાળા જોવા મળ્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ મજબૂત બન્યો હતો. જો કે બૂલીયન બજારમાં આજે મંદીનો માહોલ જોવા મળ્યો હતો.
આજે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. રોકાણકારોએ વિશ્ર્વાસ સાથે ખરીદીનો દૌર ચાલુ રાખતા દિવસ દરમિયાન બજારમાં તેજી જળવાઇ રહી હતી. અમેરિકામાં મંદીનો માહોલ હોવાના કારણે વિશ્ર્વભરના રોકાણકારો હવે ભારતીય શેરબજાર તરફ વળી રહ્યા છે. જેના કારણે બજારમાં તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે.
આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે 59,484.99ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. જ્યારે 59,251.14ની નીચલી સપાટી સુધી સરકી ગયો હતો. નિફ્ટીમાં પણ આજે આગ ઝરતી તેજી રહેવા પામી હતી. નિફ્ટી 17,719.30ના લેવલે પહોંચ્યા બાદ નીચે સરકી 17,631.95 સુધી નીચે આવી ગઇ હતી. આજની તેજીમાં આઇજીએલ, કમીન્સ, મહાસાગર ગેસ, પરિમલ એન્ટરપ્રાઇઝ, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક, એક્સીસ બેંક સહિતની કંપનીઓના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે તેજીમાં પણ એબોર્ટ ઇન્ડિયા, જીએનએફસી, મેટ્રો પોલીંગ, પીવીઆર, સેલ, મેડ પ્લસ હેલ્થ અને એલેમ્બીક ફાર્મા જેવી કં5નીના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
બૂલીયન બજારમાં મંદીનો માહોલ રહેવા પામ્યો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 502 પોઇન્ટના ઉછાળા સાથે 59,319 અને નિફ્ટી 121 પોઇન્ટના ઉછાળા સાથે 17,657 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટી અને મીડકેપ નિફ્ટીમાં પણ તોતીંગ ઉછાળા જોવા મળી રહ્યા છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 7 પૈસાની મજબૂતાઇ સાથે 79.45 પર ટ્રેડ કરી રહ્યો છે. શેરબજારમાં નવેસરથી તેજીનો સંચાર થવાના કારણે રોકાણકારોમાં ભારે ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.