પવિત્ર શ્રાવણ માસમાં ઝરમર-ઝરમર વર્ષા થતી હોય, વૃક્ષોના પાંદડા લહેરાતા હોય. મંદ-મંદ સુવાસિત પવન વાતો હોય અને લોકોના મન અને હૃદ્ય પ્રફૂલ્લિત હોયએ સમયગાળો એટલે જ રક્ષાબંધન પર્વ આવે છે. આ પર્વનું બીજું નામ “બળેવ” પણ છે. રક્ષાબંધન પર્વ ભારતીય સંસ્કૃતિના પર્વોની વિવિધતાની ઓળખ સમાન છે. આપણા ઋષિઓએ માનવ શરીરની સ્વસ્થતા અને હૃદ્યનો આનંદ મળે તે માટે નવ-નવા પર્વોનું સર્જન કર્યું છે. રક્ષાબંધન પર્વ શ્રાવણ માસનાં પૂનમનાં દિવસે આવતું પર્વ છે.
આ દિવસે બ્રાહ્મણો નવી જનોઇ ધારણ કરે છે. તેમજ સાગર કિનારે વસતા ખારવા લોકો દરિયાની અને નાળિયેરીની પુજા કરે છે તેથી “નાળિયેરી પુનમ પર્વ” તરીકે પણ ઓળખાય છે. આમ, આ પર્વનું અનેરૂં મહત્વ છે. રક્ષાબંધનનાં દિવસે બહેન પોતાના ભાઇને રાખડી બાંધે છે. રાખડી એટલે રક્ષા એવો અર્થ થાય છે. બહેન પોતાનાં ભાઇને રાખડી બાંધતા ભાઇના દીર્ધાયુની પ્રાર્થના કરે છે.
તેમજ નિરોગી અને સ્વસ્થ જીવનની કામના કરે છે. થાળીમાં દીપ પ્રગટાવી પોતાના ભાઇની આરતી ઉતારે છે એ પછી કુમ-કુમ તિલકથી ચાંદલો કરે છે ને ભાઇનાં જમણા હાથ પર રાખડી બાંધીને મીઠાઇથી બહેન ભાઇનું મોં મીઠું કરાવે છે. ભાઇની પણ ત્યારે ફરજ બની જાય છે કે પોતાની વ્હાલી બહેનને કંઇ ભેટ (ગીફ્ટ) આપીને રાજી કરે છે. આમ, આ પર્વની ઉજવણી થાય છે.
ઇતિહાસના પાના પર નઝર કરીએ તો જુનાગઢનાં રાજા રા’નવઘણ રાજપૂત રાજા હતા. તેને ધર્મની બહેન હતી. તેનું નામ જાહલ હતું. જાહલ આહિરની દીકરી છે. આ જાહલને જાનન રણમાં આદમ અને સુમરાએ રોકીને લૂંટ-ફાટ કરવાની તૈયારી કરી ત્યારે જાહલે તેના ધર્મના ભાઇ રા’નવઘણને ચિઠ્ઠી લખીને મદદ માંગી હતી. બહેનની ચિઠ્ઠી મળતાં જ રા‘નવઘણે સેના તૈયાર કરી બહેનની વહારે પહોંચી ગયો હતો.
એ જોઇને આદમ અને સુમરો ઉભી પૂંછડીયે ભાગ્યા હતા. આમ બહેન જાહલની રક્ષા ભાઇ રા’નવઘણે કરી હતી. તેનાં પરથી એ પણ સાબિત થાય છે કે, માત્ર સગા ભાઇ-બહેન હોય તો જ સંબંધ હોય તેવું નથી. દરિયા કિનારે વસતા લોકો માટે નાળીયેર કલ્પવૃક્ષ છે. નાળિયેરી તેની આવકનું સાધન છે, તેઓની રોજીરોટી છે. તેથી આ દિવસે “નાળીયેરી પૂનમ” તરીકે પણ ઉજવવામાં આવે છે.
આમ એક જ પર્વની અંદર ત્રણ-ત્રણ વર્પ સમાયેલા છે. એજ આ પર્વની ખૂબસુરતી છે. આ દિવસે આખા ભારતમાં જાહેર રજા રાખવામાં આવે છે. દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને દેશની અનેક બહેનો રાખડી બાંધી પોતાની પવિત્ર ભાવના અને ઉર્મિ વ્યક્ત કરે છે.