જિલ્લા પંચાયત ચોકથી પીછો કરતા બાઇક સવાર બુકાનીધારી શખ્સોએ ઇટર્નો લૂંટ ભગવતીપરામાં રેઢુ મુકી ફરાર
શહેરમાં ચોર,ગઠીયા અને લૂંટારાનું સામ્રાજ્ય હોય તેમ માધાપર ચોકડી થી બેડી ચોકડી વચ્ચે વેપારીને આંતરી ધોળા દિવસે બે બુકાનીધારી શખ્સોએ રૂા.૫ લાખની રોકડ સાથેના ઇટરનોની લૂંટ ચલાવી ભાગી જતા સનસનાટી મચી ગઇ છે. લૂંટારાઓએ રૂા.૫ લાખ કાઢી ઇટરનો ભગવતીપરામાં રેઢુ મુકી ભાગી જતા પોલીસે બંને લૂંટારાને ઝડપી લેવા નાકાબંધી કરાવી હતી.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માકેર્ટીંગ યાર્ડના વેપારી દિલીપભાઇ ભીખાભાઇ પીપળીયા જિલ્લા પંચાયત ચોકમાં આવેલી કોટક મહેન્દ્ર બેન્કમાંથી રૂા.૫ લાખ ઉપાડી બેડી માકેર્ટીગ યાર્ડ ખાતે જઇ રહ્યા હતા.જિલ્લા પંચાયત ચોક ખાતેથી જ દિલીપભાઇ પીપળીયાનો બાઇક પર પીછો કરી રહેલા બે બુકાનીધારી શખ્સોએ માધાપર ચોકડીથી થોડે દુર અતિથી દેવો ભવન હોટલ નજીક દિલીપભાઇ પીપળીયાને આંતરી ઝપાઝપી કરી દિલીપભાઇ પીપળીયાનું જી.જે.૩એપી. ૭૦૦૨ નંબરનું ઇટરનોની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. માધાપર ચોકડી પાસે ધોળા દિવસે થયેલી દિલધડક લૂંટની પોલીસને જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. એચ.એમ.ગઢવી, ગાંધીગ્રામ પી.આઇ. ડી.વી.દવે સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સમગ્ર શહેરની પોલીસને અેલર્ટ કરી નાકાબંધી કરાવી હતી તે દરમિયાન ભગવતીપરા વિસ્તારમાંથી દિલીપભાઇ પીપળીયાનું ઇટરનો બાઇક રેઢુ મળી આવ્યું હતું અને તેની ડેકીમાંથી રૂા.૫ લાખ લૂંટ બને બુકાનીધારી શખ્સો ફરાર થઇ જતા ગાંધીગ્રામ પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.