વિધાનસભાની ચૂંટણીના ત્રણ માસ પૂર્વ જ નવા પ્રભારીની નિમણુંક કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ત્રણ માસ જેટલો સમય ગાળો બાકી રહ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તરીકે નીતિનભાઇ ભારદ્વાજના સ્થાને સુરેશભાઇ ગોધાણી અને નિમુબેન બાંમણીયાની નિમણુંક કરવામાં આવી છે.
ભારદ્વાજ પાસે હવે સંગઠનની કોઇ મહત્વપૂર્ણ જવાબદારી નથી તેઓ હાલ માત્ર પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય છે.
રાજ્યમાં ગત સપ્ટેમ્બર માસમાં નેતૃત્વ પરિવર્તન કરાયા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જૂથના ગણાતા એક બાદ એક મોટા માથાને કદ મુજબ વેતરવામાં આવી રહ્યા છે.
વર્ષ-2019 અર્થાત છેલ્લા ત્રણ વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના પ્રદેશ પ્રભારી એવા નીતિનભાઇ ભારદ્વાજને હવે પ્રભારીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તરીકે સુરેશભાઇ ગોધાણી અને નિમુબેન બાંમણીયાની નવી નિમણુંક કરવામાં આવી છે.
વિધાનસભાની તમામ બેઠકો માટે પ્રભારીની નિમણુંક કરાયા બાદ હવે ચૂંટણી સમયે જ વર્ષોથી જવાબદારી નિભાવતા મોટા નેતાઓના સ્થાને જિલ્લાના પ્રભારી તરીકે સંગઠનનો ઓછો અનુભવ ધરાવતા નેતાઓની વરણી કરવામાં આવી છે. જેનો લાભ થશે કે નુકશાની તે આગામી સમયે જ બતાવશે.
વર્ષ-2017માં યોજાયેલી ભાજપ સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ બેઠકો પૈકી માત્ર એક જ બેઠક પર વિજેતા બન્યુ હતું.
જો કે ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામુ ધરી દેતા યોજાયેલી બે બેઠકો માટેની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા હતા. આ વખતે જિલ્લાની તમામ પાંચેય બેઠકો પર કમલ ખીલે તે માટે નીતીનભાઇ ભારદ્વાજ સારી એવી મહેનત કરી રહ્યા હતા.
જો કે ચુંટણીના ત્રણ મહિના પૂર્વ જ તેઓને પ્રભારી તરીકેની જવાબદારી મુક્ત કરી દેવાતા હવે નવા નિમાયેલા બન્ને પ્રભારીઓએ નવેસરથી એંકડો ઘુંટવો પડશે.