ભારતના સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી તથા સૌથી મોટા નેતા સુભાષચંદ્ર બોઝ હતા. તેનો જન્મ 23 જાન્યુઆરી 1897 ના રોજ ઓડિશાના (ત્યાર નું બંગાળ) કટક માં થયો હતો. તેઓએ B.A. સુધીનો અભ્યાસ કલકત્તા વિશ્વવિદ્યાલયમાં કર્યો હતો. 1921 માં તેઓએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કર્યો. 1938 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ ની પદવી પ્રાપ્ત કરી, ત્યારબાદ “આઝાદ હિન્દ ફોજ”ના સુપ્રીમ કમાન્ડર બન્યા.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની મદદથી આઝાદ હિન્દ ફોજ નું બંધારણ કર્યું હતું. તેમણે આપેલું “જય હિન્દ” નું સૂત્ર આજે રાષ્ટ્રીય સૂત્ર બની ગયું છે.”તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા” આ સૂત્ર પણ તેમનું હતું, જે એ સમયે સૌથી વધારે ચાલતું હતું. સુભાષચંદ્ર બોઝને લોકો નેતાજી કહીને બોલાવતા હતા.
અમુક ઇતિહાસકારો માને છે કે જ્યારે નેતાજીએ જાપાન અને જર્મની ની મદદ લેવાનો પ્રયાસ કર્યો ત્યારે બ્રિટિશ સરકારે તેના ગુપ્તચરોને 1941 માં સુભાષચંદ્ર બોઝને ખતમ કરવાનો આદેશ કર્યો હતો. નેતાજીએ 5 જુલાઈ 1943 ના રોજ સિંગાપુર ના ટાઉનહોલ ની સામે સુપ્રીમ કમાન્ડર ના રૂપમાં સેનાને સંબોધિત કરતા “દિલ્હી ચલો” નું સૂત્ર આપ્યું અને જાપાની સેનાની સાથે મળીને બ્રિટિશ અને કોમનવેલ્થ સેના ને બર્મા સહિત ઇમ્ફાલ અને કોહીમા માં એક સાથે પડકાર ફેંક્યો.
21 ઓક્ટોબર 1943 ના સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજના સર્વોચ્ચ સેનાપતિના પદેથી સ્વતંત્ર ભારતની અસ્થાયી સરકાર બનાવી, જેને જર્મની, જાપાન, ફિલીપીન્સ, કોરિયા, ચીન, ઈટલી, માંચૂકો અને આયર્લેન્ડ સહિત 11 દેશોની સરકારે માન્યતા આપી હતી. જાપાને અન્ડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, આ અસ્થાયી સરકારને આપી દીધા. નેતાજી આ ટાપુઓમાં ગયા અને તેનું નવું નામ કરણ કર્યું.
1944 ના આઝાદ હિન્દ ફોઝે અંગ્રેજો પર બીજી વાર આક્રમણ કર્યું અને અમુક ભારતીય પ્રદેશો ને અંગ્રેજોથી મુક્ત પણ કરાવ્યા. કોહીમા નું યુદ્ધ 4 એપ્રિલ 1944 થી 22 જૂન 1944 સુધી ચાલ્યું, તે એક ભયંકર યુદ્ધ હતું. આ યુદ્ધમાં જાપાનની સેનાએ પીછે હટ કરવી પડી અને આ જ એક મહત્વપૂર્ણ વણાંક સિદ્ધ થયો હતો. 6 જુલાઈ 1944 ના રોજ તેમણે રંગુન રેડિયો સ્ટેશન થી મહાત્મા ગાંધીના નામે એક પ્રસારણ કર્યું જેમાં તેમણે આ નિર્ણાયક યુદ્ધમાં વિજય મેળવવા માટે તેમના આશીર્વાદ માંગ્યા. ત્યારબાદ 18 ઓગસ્ટ 1945 ના સુભાષચંદ્ર બોઝ નું અવસાન થયું.
નેતાજીના મૃત્યુને લઈને આજે પણ વિવાદ છે જાપાનમાં દર વર્ષે 18 ઓગસ્ટે તેમનો શહીદ દિવસ ધૂમધામ થી મનાવાય છે. ભારતમાં રહેવાવાળા તેના પરિવારના લોકો નું આજ પણ એ માનવું છે કે સુભાષચંદ્ર બોઝનું અવસાન 1945 માં નથી થયું. તેમને રશિયામાં નજર કેદ કર્યા હતા, જો એવું ન હોય તો ભારત સરકારે તેનાં મૃત્યુ સંબંધી દસ્તાવેજ અત્યાર સુધી કેમ જાહેર નથી કર્યા? કારણકે નેતાજીનું મૃત્યુ નથી થયું.
16 જાન્યુઆરી 2014 ને ગુરુવારે કલકત્તા ઉચ્ચ ન્યાયાલયે નેતાજીના ગુમ થઈ જવાના રહસ્ય સાથે જોડાયેલ ખુફિયા દસ્તાવેજો ને જાહેર કરવાની માંગ ને લોકોના હિત માટે અરજી સાંભળી ને ખાસ બંધારણનો હુકમ કર્યો.
આઝાદ હિન્દ સરકારે 75 વર્ષ પૂરા થવા પર ઇતિહાસમાં પહેલી વખત 2018માં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો. 23 જાન્યુઆરી 2021 એ નેતાજીની 125 ની જયંતિ હતી, જેને ભારત સરકારે પરાક્રમ દિવસના રૂપમાં મનાવી હતી.
સુભાષચંદ્ર બોઝનું પારિવારિક જીવન
સુભાષચંદ્ર બોઝ ના પિતા નું નામ જાનકીનાથ બોઝ અને માનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. તેઓ બંગાળ વિધાનસભાના સભ્ય પણ હતા. અંગ્રેજ સરકારે તેમને રાય બહાદુર નો પુરસ્કાર આપ્યો હતો. પ્રભાવતીદેવી ના પિતા નું નામ ગંગા નારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કલકત્તા માં કુલીન પરિવાર મનાતું હતું. પ્રભાવતી અને જાનકીનાથ બોસને 14 બાળકો હતા, તેમાં છ પુત્રી અને આઠ પુત્ર હતા. સુભાષ તેમનાં નવમા બાળક હતા.
1934 માં જ્યારે સુભાષચંદ્ર ઓસ્ટ્રીયામાં તેમનો ઈલાજ કરાવવા રોકાણા હતા તે સમયે તેમને પોતાનું પુસ્તક લખવા માટે એક અંગ્રેજી જાણતી ટાઇપીસ્ટની જરૂર હતી. તેના એક મિત્રએ એમિલી શેં નામની એક ઓસ્ટ્રીયન મહિલા સાથે તેની મુલાકાત કરાવી. એમિલી ના પિતા એક પ્રખ્યાત પશુઓ નાં ડોક્ટર હતા. સુભાષચંદ્ર અને એમિલી વચ્ચે પ્રેમ થઈ ગયો. 1942 માં હિન્દુ પદ્ધતિથી તે બંનેએ લગ્ન કરી લીધા. ત્યારબાદ વીએનામાં એમિલી એ એક પુત્રીને જન્મ આપ્યો. તેનું નામ અનિતા બોઝ રાખ્યું.
ઓગસ્ટ 1945 માં તાઇવાન માં થયેલ વિમાન દુર્ઘટનામાં સુભાષચંદ્રનું મોત થયું, ત્યારે અનિતા પોણા ત્રણ વર્ષની હતી.