અમરેલીથી વાકિયા તરફ જતા દાદા – પૌત્રી પર દીવ તરફથી આવી રહેલી ઇકો કાર કાળ બની: પરિવારમાં કલ્પાંત
અમરેલી નજીક ગાવડકા ગામ પાસે ગઈ કાલે દીવ તરફથી આવતી એક ઇકો કારે બાઇકને ઠોકરે લેતાં તેમાં સવાર દાદા – પૌત્રીના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે વધુ એક બાળકીને ઇજા થતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.અમરેલીથી વાકીયા જતી વેળાએ બંનેને કાળ ભેટતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાકીયા ગામે રહેતા અને અમરેલી હોમિયોપેથીક કોલેજમાં ચોકીદાર તરીકે નોકરી કરતા મનુભાઈ કાથડ ભાઈ ભટ્ટી નામના 64 વર્ષના વૃદ્ધ પોતાની 8 વર્ષની પૌત્રી વિશ્વા અને 15 વર્ષની પુત્રી યશવી સાથે અમરેલી થી વાકિયા ગામે જઈ રહ્યા હતા તે દરમિયાન ગાવડકા ચોકડી પાસે પહોંચતા દીવ તરફથી દોડી આવેલી ઇકો ગાડીએ બાઇકને ઠોકર મારતા મનુભાઈ અને ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતુ.
ઘટના અંગે મળતી માહિતી મુજબ મનુભાઈ ભટ્ટી રોજ વાકીયાથી અમરેલી અપડાઉન કરતા હતા. ગઈકાલે સાંજે મનુભાઈ પોતાની નોકરી પૂરી કરી પોતાના ભાઈના ઘરે ગયા હતા. ત્યાંથી મનુભાઈ વિશ્વા અને યશ્વી ત્રણેય બાઈક પર વાકિયા ગામે જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ગાવડકા ચોકડી પાસે દીવ તરફથી પુર ઝડપે દોડી આવેલી રાજકોટ પાસિંગની કારે વૃદ્ધના બાઇકને લેતા દાદા સહિત બંને પૌત્રીઓ હવામાં ફંગોળાયા હતા.
આ અકસ્માતમાં મનુભાઈ અને તેમની પૌત્રી વિશ્વાનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે યશ્વીને ગંભીર હાલતમાં અમરેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઇકો કારના ચાલકે અકસ્માત સર્જી પોતાની ગાડી ખાડામાં ઉતારી દીધી હતી. પોલીસે ઘટનાની નોંધ કરી આગની કાર્યવાહી હાથ ધરી છે.