રાઈડ્સ સંચાલકોની ભાવ વધારાની માંગને ગેરવાજબી ગણાવતું તંત્ર

લોકમેળામાં રાઈડની ટિકિટના ભાવમાં વધારો આપવાની માંગ સાથે રાઈડ સંચાલકો હરાજીમાં ભાગ લેવાનું ટાળી રહ્યા છે. ત્યારે આ વિવાદ મામલે જિલ્લા કલેક્ટર અરુણ મહેશબાબુએ કહ્યું કે લોકમેળામાં રાઈડ અંગે લોકો ઉપર બોજ ન આવે તે પ્રકારે નિર્ણય કરાશે.

રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ  લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. આ લોકમેળામાં તાંત્રિક કેટેગરીમાં ઇ કેટેગરીમાં 6 પ્લોટ, એફ કેટેગરીમાં 4 પ્લોટ, જી કેટેગરીમાં 25 પ્લોટ, એચ કેટેગરીમાં 9 પ્લોટ મળી કુલ 44 પ્લોટની હરાજી બે વખત રાખવામાં આવી હતી.

જો કે આ બન્ને હરાજી દરમિયાન એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે પ્લોટનું ભાડું, ટ્રાન્સપોર્ટેશન, મજૂરોનો ખર્ચ અને મેઇન્ટેનન્સમાં ભાવ વધ્યા હોવાથી રાઈડની ટિકિટનો જુનો રૂ.30નો ભાવ રાઈડ સંચાલકોને પોસાય તેમ નથી. એટલે ભાવ વધારો આપવામાં આવે. આવી માંગ સાથે તેઓએ બન્ને વખત હરજીનો બહિષ્કાર કર્યો હતો.

જેને પગલે હજું સુધી રાઈડ અંગે કોઈ નિર્ણય થઈ શક્યો નથી. બીજી તરફ કલેકટર તંત્ર પણ ભાવ વધારો ન આપવા મક્કમ હોય તેવું જણાઈ રહ્યું છે. જિલ્લા કલેટર અરુણ મહેશ બાબુએ આ અંગે જણાવ્યું કે લોકમેળામાં રાઈડના લીધે લોકો ઉપર બોજ નહિ પડવા દેવામાં આવે. તે પ્રકારે જ તંત્ર નિર્ણય લેશે. આ ઉપરાંત તંત્ર રાઈડ સંચાલકોની ભાવવધારાની માંગણીને ગેરવ્યાજબી પણ ગણાવી રહી છે.

લોકમેળામાં બાળકો માટે હશે ટોયવાનનું આકર્ષણ

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે લોકમેળામાં બાળકો માટે ટોયવાનનું ખાસ આકર્ષણ હશે. જેમાં બાળકોને રમકડાંની વિશાળ વેરાયટી જોવા મળશે. વધુમાં મળતી માહિતી પ્રમાણે 26 સ્ટોલ જે જાહેર સંસ્થાઓ અને સરકારી વિભાગ માટે અનામત રાખ્યા હતા તેમાંથી માત્ર 6થી 7 જ સ્ટોલ ભરાયા હોય તંત્રએ તેનો સદુપયોગ કરવાનું આયોજન કર્યું છે. જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્ટોલ અને ડીઆરડીએલ સહિતના સ્ટોલ આકર્ષણ જગાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.