ટિકિટના ભાવ રૂ. 50 અને 70 રાખવા રાઈડ સંચાલકોની માંગ, મેળા સમિતિએ ભાવવધારાની માંગ ફગાવી દેતા સંચાલકોએ હરાજીમાં ભાગ ન લીધો : સાંજે ફરી ત્રીજી વખત હરાજી યોજવાનો પ્રયાસ
લોકમેળામાં રાઈડની મજા ઉપર પ્રશ્નનાર્થ સર્જાયો છે. કારણકે રાઇડ માટે ભાવવધારો મંજુર ન થતા હરરાજી બીજી વખત મોકૂફ રહી છે. ટિકિટના ભાવ રૂ. 50 અને 70 રાખવા રાઈડ સંચાલકોની માંગ, મેળા સમિતિએ ભાવવધારાની માંગ ફગાવી દેતા સંચાલકોએ હરાજીમાં ભાગ લીધો ન હતો.
રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે.
આ લોકમેળામાં તાંત્રિક કેટેગરીમાં ઇ કેટેગરીમાં 6 પ્લોટ, એફ કેટેગરીમાં 4 પ્લોટ, જી કેટેગરીમાં 25 પ્લોટ, એચ કેટેગરીમાં 9 પ્લોટ મળી કુલ 44 પ્લોટની આજે હરાજી રાખવામાં આવી હતી.
જો કે આ હરાજી દરમિયાન એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે પ્લોટનું ભાડું, ટ્રાન્સપોર્ટેશન, મજૂરોનો ખર્ચ અને મેઇન્ટેનન્સમાં ભાવ વધ્યા હોવાથી રાઈડની ટિકિટનો જુનો રૂ.30નો ભાવ રાઈડ સંચાલકોને પોસાય તેમ નથી.
છેલ્લા 5થી 7 વર્ષથી રૂ. 30નો ભાવ ચાલ્યો આવે છે. માટે નાની રાઈડનો ભાવ 50 અને મોટી રાઈડનો ભાવ રૂ. 70 જેવો કરી આપવામાં આવે. આ રજુઆત પ્રત્યે તંત્રએ હકારાત્મક વલણ દાખવીને મેળા સમિતિના અધ્યક્ષ સાથે આ મામલે ચર્ચા કરીને મંગળવારે નિર્ણય લેવા કહ્યું હતું. જો કે આજે સવારે મેળા સમિતિએ ભાવ વધારાને મંજુર ન કર્યા હોય રાઈડ સંચાલકોએ મેળામાં ભાગ લીધો ન હતો.
બીજી બાજુ યાંત્રિક રાઈડના સંચાલકોમાં એવો ગણગણાટ ચાલી રહ્યો છે કે રૂ. 30નો ટિકિટ ભાવ તો કોઈ કાળે પોસાય તેમ નથી. જો તંત્ર ભાવ વધારાને મંજૂરી નહિ આપે અને જૂના ભાવ લાગુ રાખશે તો યાંત્રિક રાઈડ નાખવામાં નહિ આવે.
બીજી તરફ તંત્ર પણ રાઈડની ટિકિટના ભાવમાં વધારાને મંજૂરી આપવા ઇચ્છતું નથી. વધુમાં આજે ફરી સાંજે 4 કલાકે રાઈડ સંચાલકોને ત્રીજી વખત હરાજીનો પ્રયત્ન કરવા માટે બોલાવવામાં આવ્યા છે.