ધો.1 થી 12 સુધી અભ્યાસની જવાબદારી બોરસદ સ્થિત સંસ્થા નિભાવશે
માત્ર મતની લાલચમાં નહી પરંતુ લોક સેવામાં પણ રાજનેતાઓ મુઠ્ઠી ઉચેરા સાબિત થઈ શકે છે. તાજેતરમાં ગુજરાતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 60 થી વધુ વ્યકિતઓના કરૂણ મોત નિપજયા છે. મૃતકોના પરિવારની આર્થિક હાલત ખૂબજ ખરાબ હોવાના કારણે તેઓના બાળકોનાં ભવિષ્ય સામે હવે મોટો પ્રશ્ર્નાર્થ સર્જાઈ ગયો છે.
દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને આંકણાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડાએ એક શ્રેષ્ઠ જાહેરાત કરી છે. લઠ્ઠાકાંડમાં મોતને ભેટેલા હતભાગીઓનાં બાળકોને ભણાવવાની સંપૂર્ણ જવાબદારી નિભાવશે. રવિવારે અમિત ચાવડા રોજીદ ગામ ખાતે લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલ પરિવારજનને શ્રદ્ધાંજલિ અને પરિવારને દિલાસો આપવા ગયા હતા.
દરેક પરિવારમાં કાળજું કંપાવી દે તેવો માહોલ જોતા ત્યાં તેમણે ગરીબ પરિવારોની દયનીય હાલત જોઈને તેઓ ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા.અમિત ચાવડાએ જાહેરાત કરી હતી કે જે આ કાંડમાં મૃત્યુ પામેલા છે તેમના બાળકોને ધોરણ-1 થી 12 સુધી ભણાવવાની સંપૂર્ણ જવાબદારી તેઓની બોરસદ ખાતેની સંસ્થા નિભાવશે. રાજકારણની અંદર રહીને પણ સંવેદનશીલતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તેમણે પૂરું પાડેલ છે.