મોટા સમઢીયાળા ગામે ખેડુત સાથે થયેલી માથાકુટનો ખાર રાખી શ્રમીકોએ મોડી રાત્રે ઘરમાં ચોરી કરવાનાં ઇરાદે ત્રાટકયા હતા, દંપતી જાગી જતા હથીયાર વડે માર મારતા મહિલાનુ મોત નીપજયુ હતુ અને પ્રૌઢ ઘાયલ: પોલીસ ધરપકડની દહેશતથી એક શખ્સે દવા પીધી
ખાંભા તાલુકાનાં મોટા સમઢીયાળા ગામે 10 દિવસ પુર્વે લુંટ વીથ મર્ડરની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી ચાર શખ્સોની ધરપકડ કરી રોકડ અને સોના-ચાંદીનાં ઘરેણા સહીતનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ ખાંભા નજીક આવેલા મોટા સમઢીયાળા ગામે રહેતા હરજીભાઇ હરીભાઇ સેલળીયાનાં મકાનમાં ગત ર0 જુલાઇની રાત્રીએ અજાણ્યા શખ્સોએ ચોરી કરવાનાં ઇરાદે ત્રાટકયા હતા જેમાં હરજીભાઇ અને તેના પત્ની કમળાબેન જાગી જતા અજાણ્યા શખ્સોએ હથીયારથી માર મારતા જેમાં કમળાબેનનુ મોત નીપજયુ હતુ અને હરજીભાઇને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જે બનાવની હરજીભાઇનાં ભત્રીજા વીપુલભાઇ સેલળીયાએ અજાણ્યા શખ્સો સામે ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.લુંટ વીથ મર્ડરનો ભેદ ઉકેલવા પોલીસે વીવીધ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં ઘવાયેલા હરજીભાઇ સેલડીયાને ખેત મજુર સાથે માથાકુટ થયાનુ જાણવા મળતા જેનાં આધારે પોલીસે મોટા સમઢીયાળાનાં મંગા સુરા ચારોલીયા , ધારશી અબુ ચારોલીયા , સુરા બાલા ચારોલીયા અને બાવ અબુ ચારોલીયા નામનાં શખ્સોને ઉઠાવી આકરી પુછપરછ કરતા ચારેય શખ્સો ભાંગી પડયા હતા અને ગુનાની કબુલાત આપતા ધરપકડ કરી રોકડ અને સોના- ચાંદીનાં મુદામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલ શખ્સો પૈકીનો ધારશી ઉર્ફે ડગી અબુ નામનાં શખ્સે પોલીસ ધરપકડ કરે નહી તે માટે દવા પી લીધી હતી. અને હાલ હોસ્પીટલમાં સારવાર અર્થે છે. તેમજ ચારેય શખ્સોએ ઘવાયેલા હરજીભાઇ સેલડીયા સાથે માથાકુટનાં કારણે માર મારી સબક સીખવાડવા માટે પ્લાન ઘડવાની કબુલાત આપી હતી.