સ્વચ્છતા અભિયાનના ત્રણ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે વડાપ્રધાન મોદીનું ઉદ્બોધન
સ્વચ્છતા અભિયાનના ૩ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, સમાજની ભાગીદારી વગર સ્વચ્છતા અભિયાન કયારેય પૂર્ણ ન થઈ શકે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ૧ હજાર મહાત્મા ગાંધી અને ૧ લાખ નરેન્દ્ર મોદી પણ આવી જાય તો પણ આ સ્વપ્ન સાકાર થઈ શકે નહીં. સ્વચ્છતા અભિયાન હવે સરકાર કે, મહાત્મા ગાંધીનું આંદોલન નથી પરંતુ દેશના સામાન્ય નાગરિકોએ પોતાના ખભ્ભા ઉપર ઉપાડી લીધેલું આંદોલન છે.વડાપ્રધાન મોદીએ લોકોને અભિયાન સાથે જોડાવાની અપીલ કરતા ઉમેર્યું હતું કે, જો સવા સો કરોડ દેશવાસીઓ એક થઈ જાય અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ જાય તો આ સ્વચ્છ ભારતનું સ્વપ્ન તરત પૂર્ણ થઈ જાય. વડાપ્રધાને વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું કે, ગાળો દેવા માટે અનેક વિષયો છે. પરંતુ સમાજને જાગૃત બનાવવાના કાર્યક્રમમાં કોઈ રાજનીતિ થવી જોઈએ નહીં.સમાજમાં બદલાવ લાવતા વિષયોને મજાક બનાવવા જોઈએ નહીં. અનેક ટીકાઓ થઈ હોવા છતાં સરકાર સ્વચ્છતા અભિયાન માટે મક્કમ છે. વડાપ્રધાને કહ્યું હતું કે, જો આપણે સ્વચ્છતાને જ પોતાનો ધર્મ માની લઈએ તો પરિવારના ૫૦ હજાર રૂપિયા બચાવી શકાય છે. જે આપણી સારવાર માટે ખર્ચી નાખતા હોઈએ છીએ. વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે, ઘણા લોકો બાયોડેટા લઈને પોતાના લાયક કામ માંગવા આવતા હોય છે. પરંતુ જયારે હું સ્વચ્છતા માટે તેમને સમય આપવા કહું છું ત્યારે તેઓ બીજીવાર દેખાતા નથી.જેમ સત્યાગ્રહનો આગ્રહ રખાય છે તેમ સ્વચ્છતાગ્રહનો આગ્રહ રાખવો જોઈએ. સ્વચ્છતા મામલે પણ મહિલાઓને થતી મુશ્કેલીઓ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, તમે તો પુરુષ છો, તમે તો કોઈપણ ચોકમાં ઉભા રહી જશો પરંતુ જયારે મહિલાઓ બજારમાં જાય અને કુદરતી હાજતની જરૂર પડે ત્યારે કષ્ટ ઉઠાવવો પડે છે. જો આપણે આ વાત ન સમજી શકીએ તો સ્વચ્છતાનો મુળ સ્વરૂપ ન જ સમજી શકીએ. ગામડાઓમાં મહિલાઓને જો દિવસે કુદરતી હાજતે જવાની જરૂર પડે તો પણ તેઓ અંધારૂ થવાની રાહ જુવે છે. વડાપ્રધાન મોદીએ લોકોને સલાહ આપી હતી કે, ઘરમાં તમામ લોકો પોતાનો સામાન તેની સાચી જગ્યા ઉપર રાખે તો માતાઓ પર પડતુ ભારણ ઘટી શકે છે. ઘરમાં દરેકને કચરો ફેંકવાનો હક્ક છે પરંતુ સફાઈ માતાને જ કરવી પડે છે.