કોંગ્રેસના આગેવાનો લઠ્ઠાકાંડના મૃતકોની અંતિમ યાત્રામાં જોડાઈ નશ્વદેહને કાંધ આપી
લઠ્ઠાકાંડ બાદ સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, નશાબંધીના ચુસ્ત કાયદાના ગાણાગાતી – જાહેરાતો કરતી ભાજપ સરકારના શાસનમાં ગુજરાતમાં રોજ બેરોકટોક કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય રહ્યો છે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને ગુજરાતના ભવિષ્ય સમાન યુવાનો નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે.
ભ્રષ્ટાચારમાં ગળાડુબ ભાજપા સરકાર ગૃહવિભાગ, કાગળ પરની દારૂબંધી અંગે નિષ્ફળ ભાજપા સરકાર લાજવાને બદલે ગાજવાનું બંધ કરે. ગુજરાતમાં ઠેરઠેર દારુના બેરોકટોક વેચાણ અને મહેફીલ કાંડ, લઠ્ઠાકાંડ સહિતની નિષ્ફળતા અંગે ભાજપ કેમ મૌન છે ? શાસકપક્ષના આદેશથી સત્તાધીશોની સીધી દોરવણી હેઠળ અધિકારીઓની મીલીભગતથી ચાલતી ગુજરાતમાં દારૂબંધી એ માત્ર નાટક છે, જેની લઠ્ઠાકાંડ ગવાહી છે.
કોંગ્રેસપક્ષના જનપ્રતિનિધી, સ્થાનિક જનતા જનતા રેડ કરીને મોટાપાયે દારૂનો જથ્થો પકડે ત્યારે પકડાવનાર પર કાર્યવાહી કેમ ? ગુજરાતના એક જિલ્લાના પોલીસવડાએ પત્ર લખી દારૂના ખેપીયા, બૂટલેગરોનું પોલીસ દ્વારા પાયલોટીંગ કરવામાં આવે છે તેવા સત્તાવાર જાણ કરે તેમ છતાં કાર્યવાહી કેમ નહીં ? સ્થાનિક સરપંચની લેખિત રજુઆત છતાં કોઈ પગલા ભરાયા નહીં અને લઠ્ઠાકાંડ થયું. 26થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. કોંગ્રેસપક્ષના ધારાસભ્ય રાજેશ ગોહિલે સ્થાનિક સંકલન સમિતિમાં રજુઆત કરી હતી તેમછતાં પોલીસ તંત્રએ કોઈપણ પગલા ન લીધા.
તાજેતરમાં અમદાવાદ, બોટાદ, ભાવનગર જીલ્લાના વિસ્તારોમાં લઠ્ઠાકાંડને કારણે 41 થી વધુ મૃતકના પરિવારજનોને સાંત્વના અને જાત માહિતી માટે બરવાળાના રોજીદ ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી, સ્થાનિક ધારાસભ્ય રાજેશ ગોહિલ, લાખાભાઈ ભરવાડ સહિત આગેવાનોએ પરિવારજનોની મુલાકાત લીધી હતી.
મૃતકના પરિવારજનો, ગામના સ્થાનિકો સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી રાજેશ ગોહિલ, લાખાભાઈ ભરવાડ, અંતિમ યાત્રામાં જોડાઈ નશ્વરદેહને કાંધ આપી હતી.
સિવિલ હોસ્પિટલનાં સુપરિટેન્ડ સાથે કોંગ્રેસ પક્ષનાં પ્રતિનિધી મંડળ મુલાકાત કરી તમામ સારવાર લઈ રહેલા દર્દીઓની સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. સુપરિટેન્ડ દ્વારા 12 દર્દીઓની તબિયત સારી હોવાની વિગતો આપી હતી. દર્દીઓને જરૂરી સારવાર મળે, જલ્દી સારા થાય તે અંગે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, આગેવાનોનું પ્રતિનિધી મંડળ દ્વારા રજુઆત કરવાં આવી હતી. અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓનાં સગા-સંબંધીને રહેવા-ખાવા સહિતની સુવિધા અંગેની જાણકારી મેળવી કોઇપણ પ્રકારની જરૂરિયાત માટે આ કપરા સમયમાં કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે તેવુ આશ્વાસન આપ્યું હતું.