વોર્ડ નં.1માં ઘંટેશ્ર્વર, જામનગર રોડ અને બીજા 150 ફૂટ રીંગ રોડ, વોર્ડ નં.4માં મોરબી રોડ જ્યારે વોર્ડ નં.18માં કોઠારીયા રોડ વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇન બિછાવાશે
રાજકોટ મહાનગર પાલિકાની હદમાં ભળેલા નવા વિસ્તારોમાં પાયાની સુવિધા પૂરી પાડવા માટે શાસકો કટીબદ્વ છે. માનવી ત્યાં સુવિધાને ધ્યાનમાં રાખી આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શહેરના વોર્ડ નં.1, વોર્ડ નં.4 અને વોર્ડ નં.18માં અલગ-અલગ વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇનનું નેટવર્ક બિછાવવા માટે રૂ.15.74 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં હજારો લોકોને પૂરતા ફોર્સથી પીવાનું પાણી મળશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વોર્ડ નં.4માં નવા વિકાસશીલ વિસ્તાર એવા કોપર ગ્રીન મોમાઇ રેસીડેન્સી, આરડી રેસીડેન્સી અને નવીન ટાવર વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇનનું નેટવર્ક બિછાવવા માટે રૂ.1.90 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે વોર્ડ નં.18માં કોઠારીયા વિસ્તારમાં આદર્શ, શિવાલય સોસાયટી, રોકડીયા પાર્ક, શ્રમજીવી સોસાયટી, જનાર્દન પાર્ક, શ્યામ સુંદર સોસાયટી સહિતના વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇન નેટવર્ક માટે રૂ.2.24 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે વોર્ડ નં.1માં બીજા રીંગ રોડ પર વર્ધમાન નગર, આસ્થા સોસાયટી, વર્ધમાન વિલા, ક્રિસ્ટલ મોલ, 25 ચો.મી. ક્વાર્ટર, રત્નમ બંગલો, રત્નમ પ્રાઇડ સહિતના વિસ્તારોમાં ડીઆઇ પાઇન લાઇનના નેટવર્ક માટે રૂ.7.02 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર ગામતળ, પારસ વિલા સોસાયટી, સૈનિક સોસાયટી, 25 ચો.મી. ક્વાર્ટર વિસ્તાર, બ્રહ્મનાથ સોસાયટી, પરશુરામ સોસાયટી અને અમિ હાઇટ્સ સહિતના વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇન નેટવર્ક માટે રૂ.3.50 કરોડ અને ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇનના નેટવર્ક માટે રૂ.1.07 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.