બે માસ પહેલા લગ્નગ્રંથીએ જોડાયેલા યુગલે ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
રાજકોટના સંતોષી નગર વિસ્તારમાં આજરોજ વહેલી સવારે નવદંપતિએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. બે માસ પહેલા જ પ્રભુતામાં પગલાં માંડનાર દંપતીએ જીવન ટૂંકાવવા પરિવારમાં આક્રંદ છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના સંતોષી નગર વિસ્તારમાં આવતા રેલવે ટ્રેક પર વહેલી સવારે એક યુગલે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યાની ઘટના રેલવે પોલીસ ચોપડે નોંધાતા વેલાભાઈ ભરવાડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પ્ર દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મરણ જનાર કરણ અશોકભાઈ પંચાસરા ( ઉ.વ.23) અને તેમના પત્ની નેહા કરણ પંચાસરા (ઉ.વ.21) હોવાનુ જાણવા મળ્યુ હતું. વધુ વિગત મુજબ કરણ અને નેહા હજુ બે માસ પહેલા જ પ્રભુતામાં પગલાં માંડ્યાં હોવાનુ જાણવા મળ્યું છે. હજુ હાથની મહેંદી સુકાઇ ન હતી તે પહેલાં જ દંપતીએ આપઘાત કરતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.
આ અંગે રેલવે પોલીસ મથકમાં જાણ થતાં તુરંત સ્ટાફે કાર્યવાહી હાથધરી હતી. કરણ અને નેહાના મૃતદેહને પોલીસે પીએમ અર્થે ખસેડી આપઘાત પાછળનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જય જવાન જય કિસાન સોસાયટીની બાજુમાં આવેલા મફતિયા પરા વિસ્તારમાં રહેતા દંપતીના આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં છ માસ પૂર્વે લગ્ન કરનાર દંપતીએ આપઘાત કરતા પરિવારમાં આભ ફાટી પડ્યું હતું.
છ માસ પૂર્વે જ લગ્ન કરનાર દંપતીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જ્યારે હજુ એક આવી જ ઘટના સામે આવી છે જેમાં દંપતીએ સજોડે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જેથી પોલીસે આપઘાતના કારણ અંગેની તપાસ કરવા માટે દંપતિના નજીકના સંબંધીઓની વિશેષ પુછતા હાથધરી છે. માત્ર બે મહિનાના લગ્ન ગાળામાં જ આપઘાત કરી લેતા ઘટના ભેદી હોવાનું સામે આવી રહ્યું છે.