આજના લોક દરબારમાં પાંચ પ્રશ્નો રજૂ થયા : સિઝનના કારણે અરજદારો ન આવતા સમય શક્તિનો થતો વ્યય
રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યદક્ષ પ્રમુખ ભુપતભાઇ બોદર અને કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજા તથા દરેક કાર્યમાં રસ લઇ ત્વરિત કાર્ય કરતી કારોબારીની કાર્યદક્ષતાથી રાજકોટ જિલ્લા પંચાયત ખાતે સપ્તાહના દર સોમવારે લોક દરબાર યોજી પ્રજાના પ્રશ્નો ઝડપથી ઉકેલી શકાય અને અરજદારો પણ નિયત સમયે અને સ્થળે પદાધિકારીઓને પોતાની રજૂઆતો કરી શકે એવા શુભાશયથી જિલ્લા પંચાયત ભવન ખાતે લોક દરબાર છેલ્લા એકાદ માસથી યોજાય રહ્યો છે.
આ યોજાયેલા સાતેક લોક દરબારમાં સરેરાશ પાંચ જેટલા પ્રશ્નો રજૂ થયેલાં હતાં. રાજકોટ જિલ્લા પંચાયતમાં લોકો – અરજદારોની પાંખી હાજરીને કારણે ફરી ધમધમાટ શરુ થાય તેવા હેતુથી દર સોમવારે લોક દરબાર યોજવાનો ભાજપ શાસકોએ નિર્ણય કર્યો હતો પરંતુ જિલ્લા સ્તરે કચેરીમાં લોક દરબાર યોજવાનો આ પ્રયોગ નિષ્ફળ રહયો છે. ચાર – પાંચ અરજદારો માંડ આવતા હોવાથી અંતે હવે શાસકોએ આ લોક દરબાર બંધ કરવા અંગેનો નિર્ણય પ્રમુખ, કારોબારી સભ્યો સહિતનાં પદાધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાયો છે.
જિલ્લા પંચાયત ભવન ખાતે દર સોમવારે યોજાતાં આ લોક દરબારમાં જેટલા પદાધિકારીઓ હાજર હોય છે તેટલા અરજદારો પણ આવતા નથી.જોકે, તાલુકા સ્તરે લોક દરબાર યોજવાનો પ્રયોગ સફળ રહયો હતો. જસદણમાં પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો તેમાં 100 જેટલા પ્રશ્નો
રજૂ થયાં હતા. જિલ્લા સ્તરે લોક દરબારમાં ખૂદ પદાધિકારીઓને પણ રસ રહયો ન હોવાનું જોવા મળ્યુ હતું. કેટલાક પદાધિકારીઓ ચાલુ લોક દરબારે પોતાની ઓફિસમાં જતા રહેતા હોય છે. દરમિયાન કેટલાક પદાધિકારીઓએ એવા સંકેત આપ્યા હતા કે, પ્રમુખ સહિતનાં હોદેદારો સાથે ચર્ચા કરીને હાલ વરસાદની સિઝન હોય ગામડાનાં લોકો ખેતીમાં વ્યસ્ત થયા છે ત્યારે લોક દરબાર બે – ત્રણ મહિના બંધ રાખવા અંગે ફાઈનલ નિર્ણય કરવામાં આવેલ હતો. જો કે, એવી પણ ચર્ચા છે કે, પદાધિકારીઓ કોઈને કોઈ કારણ શોધી આ લોક દરબાર બંધ કરવાની રાહમાં હતા દરમિયાન વરસાદનાં કારણને લઈને લોક દરબાર હાલ મોકૂફ રખાયો છે.
આજ તા.25 ને સોમવારના રોજ જીલ્લા પંચાયત રાજકોટ ખાતે યોજાયેલ લોક દરબારમાં DRDA રાજકોટ શાખાને લગત ચેતનભાઈ વ્યાસએ મનરેગા અંતર્ગત વૃક્ષારોપણની મંજુરી આપવા બાબત,DRDA રાજકોટને લગત, જીગ્નેશભાઈ તળાવીયાએ વાજડીગઢમાં વાડીના રસ્તાનું ધોવાણ બાબત, મામલતદાર – જામકંડોરણાને લગત રસીલાબેન જે.ત્રાડાએ જુના માત્રાવડ તા. જામ કંડોરણા ગામે ખેતીની જમીનમાં ધોવાણ બાબત, તાલુકા પંચાયત – જામકંડોરણાને લગત હરિયાસણ ગ્રામપંચાયત તા.જામકંડોરણાએ
હરિયાસણ ગામ તા. જામ કંડોરણા ખાતે ગ્રામ પંચાયતમાં પુરતી સુવિધા તથા કોમ્યુનીટી હોલ મંજુર કરવા બાબત, વિકાસ શાખાને લગત ગ્રામ પંચાયત જામગઢ તા. રાજકોટએ જામગઢ ગામે કઊઉ લાઈટ તથા સ્મશાનમાં સ્નાનધાટ અને CCTV માટે ગ્રાન્ટ ફાળવવા બાબત રજુઆત કરી હતી.
આજના આ લોક દરબારમાં આવેલા આ પાંચ જેટલાં પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવે એ માટે જે તે શાખા અધિકારીને સૂચના અપાઈ હતી. આજના આ લોક દરબારમાં હાજર રહેલ પદાધિકારીઓમાં જિલ્લા પંચાયતના પ્રયખ ભુપતભાઇ જસમતભાઇ બોદર, વિરલ પ્રફુલભાઇ પનારા, ધર્મેન્દ્રભાઇ ટીલાળા, જૈન્તિલાલ મોહનલાલ બરોચીયા, જયંતિલાલ પાનસુરીયા, પી.જી. કયાડા, જનકભાઈ ડોબરિયા, સુભાષભાઈ બાંભરોલીયા, સવિતાબેન ભરતભાઇ ગોહેલ, સુમાબેન લુણાગરિયા, ખીમજીભાઈ બગડા, મોહનભાઇ દાફડા, રાજાભાઈ ચાવડા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
હાલ યોમાસાની પરિસ્થિતિને ધ્યાને લેતા આગામી સોમવારથી રાજકોટ જિલ્લા પંચાયત ખાતે દર સોમવારે યોજાતો લોક દરબાર હાલ પુરતો મોકૂફ રાખવામાં આવેલ છે તેમ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે અબતકને જણાવ્યું હતું.