દર્દીઓને સારી સુવિધા અપાવનાર ડોકટરને ફરી નિમણુંક આપવા માંગ
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં અનેક સુવિધાઓ ઉભી કરી બેદરકાર અને આળસુ કર્મચારીઓ સામે લાલ આંખ કરી દર્દીઓને ખૂબ સારી સુવિધા મળી રહે તે માટે કાર્યરત રહેલા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની બદલી થતાં જૂનાગઢમાંથી વિરોધનો સુર ઉઠવા પામ્યો છે અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિટેન્ડન્ટ ડો. સુશીલ કુમારને ફરી જૂનાગઢમાં મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ મંત્રી જયેન્દ્રભાઈ જોબનપુત્રાએ જુનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. સુશીલ કુમારે પોતાના ટૂંકા ગાળાની ફરજ દરમિયાન કોરોનાના કપરા કાળમાં પણ દર્દીઓને પૂરતી સારવાર અને સુવિધા મળી રહે તે માટે શક્ય તેટલા સારા પ્રયત્ન કર્યા હતા. આ સાથે તબીબો દ્વારા બહારની દવા લખવામાં આવી હતી તે બંધ કરવામાં આવી હતી. અને હોસ્પિટલમાં અનેક નવી મશીનરી મંગાવી દર્દીઓને રાજકોટ, જામનગર કે અમદાવાદના ધક્કા ન ખાવા પડે તે માટે અનેક તપાસ અને સારવાર શરૂ કરાવવાની સાથે લાલિયા વાળી કરતા અને બેદરકારી દાખવતા કર્મચારીઓ સામે કડક પગલા લઈ હોસ્પિટલમાંથી ન્યુસન્સ સાવ નાબુદ કર્યું હતુંં. આવા અધિકારીની જૂનાગઢમાંથી પોરબંદર ખાતે બદલી કરવામાં આવી છે જે બાબત યોગ્ય નથી.
આ સાથે જયેન્દ્રભાઈ જોબનપુત્રાએ આક્ષેપ પણ કર્યો છે કે, કોઈના પેટમાં તેલ રેડાયું છે તેના કારણે ડો. સુશીલ કુમારની બદલી કરવામાં આવી છે ત્યારે જુનાગઢને મળેલા સિવિલ હોસ્પિટલના સારા સુપ્રિટેન્ડન્ટ ની બદલીનો વિરોધ જુનાગઢની તમામ સેવાકીય, સામાજિક અને રાજકીય સંસ્થાઓ તથા આગેવાનો એ આગળ આવવું જોઈએ અને થયેલી બદલીનો વિરોધ કરી તેમને ફરી જૂનાગઢમાં ફરજ સોપાય તેવી માંગ કરવી જોઈએ.