10 વર્ષ ગ્રીન હાઉસની ખેતી બાદ બાગાયત વિભાગની સહાય દ્વારા ખેડુતોને મળી સફળતા
ખેડૂતોની આવક બમણી કરવાના હેતુ અને ખેડૂતો આધુનિક ખેતી અપનાવે તેવા આશયથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી છે. પારંપારિક ખેતીથી આગળ વધી આધુનિક અને રક્ષિત ખેતી દ્વારા ખેડૂતો ઓછા પાણીના ઉપયોગ થકી વધુ ઉત્પાદન અને વધારે આવક મેળવી શકે છે.ખાસ કરીને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અન્વયે ખેડૂતોને અનેક લાભોથી લાભાન્વિત કરવામાં આવે છે.
રાજ્યના બાગાયત વિભાગની રક્ષિત ખેતીની ફ્લેગશીપ યોજનાના લાભ દ્વારા અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના બરવાળા બાવીશી ગામના પ્રગતિશીલ ખેડૂતે જુદું કરી બતાવ્યું છે. પ્રગતિશીલ ખેડૂતએવા રજનીભાઈ મધુભાઈ નાકરાણીએ પહેલા ગ્રીન હાઉસ અને હવે નેટ હાઉસની ખેતી દ્વારા કાકડીનું વાવેતર કરીને સોનેરી સફળતાનો સ્વાદ ચાખ્યો છે. રજનીભાઈએ હાલમાં એક એકર જમીનમાં નેટ હાઉસ પદ્ધતિ દ્વારા કાકડીનું વાવેતર કર્યુ છે. આ વાવેતરમાં તેમણે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ઓછા પાણીએ પ્રથમ વર્ષે જ આશરે 30-40 ટન ઉત્પાદન મળવાની શક્યતાઓ હોવાનું જણાવ્યું છે.નેટ હાઉસ ખેતી વિશે માહિતી આપતા ખેડૂત રજનીભાઈ નાકરાણીએ જણાવ્યુ કે, આશરે 10 વર્ષ પહેલાં ગ્રીન હાઉસ શરુ કર્યા હતા.
મારા મિત્રએ ઈઝરાયેલમાં આ ગ્રીન હાઉસ નિહાળ્યા બાદ આ પદ્ધતિથી ખેતી કરવા માટે મને સૂચન કર્યુ હતુ. ત્યારબાદ અમે પુણે, બેંગ્લુરુ સહિતના વિસ્તારોમાં કાર્યરત ગ્રીન હાઉસની મુલાકાત લીધી હતી અને તેના વિશે માહિતી અને માર્ગદર્શન મેળવ્યા હતા. તે પછી અમે અમારા ખેતરમાં ગ્રીન હાઉસ પ્રોજેક્ટ કર્યો હતો.
ગ્રીન હાઉસની ખેતીમાં તાઉતે વાવાઝોડા સુધી કાકડીના ઉત્પાદનમાં ઘણી સફળતા મેળવી હતી. ત્યારબાદ નેટ હાઉસનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. નેટ હાઉસ તૈયાર કરવા માટે બાગાયત વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની 65 ટકા જેટલી સહાય અમે મેળવી છે. ખેતી માટે થતાં ખર્ચ સામે પહોંચી વળવામાં આ સહાય થકી અમને આર્થિક રીતે મદદ મળી છે. એક એકરમાં 4,000 ચો.ફૂટના બે નેટ હાઉસ અહીં તૈયાર કર્યા છે.
આ નેટ હાઉસમાં કાકડીના કુલ 18,000 વેલા વાવ્યા છે. નેટ હાઉસના આ પ્રોજેક્ટ પાછળ થયેલા કુલ ખર્ચ વિશે રજનીભાઈએ ઉમેર્યુ કે, એક એકરના બે નેટહાઉસ તૈયાર કરવા આશરે રુ.21 લાખ જેટલો ખર્ચ થયો હતો. આ પૈકી કેન્દ્ર સરકારની 50 ટકા અને રાજ્ય સરકારની 15 ટકા એમ કુલ મળીને 65 ટકા એટલે કે રુ.16 લાખ રૂપિયાની સબસિડી આ ખેતી માટે મેળવી છે.
રક્ષિત ખેતી એટલે કે ગ્રીન હાઉસ અને નેટ હાઉસ દ્વારા ખેતી કરવા માગતા ખેડૂતો માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સહાય વિશે વિગત આપતા નાયબ બાગાયત નિયામકશ્રી કુલદિપ સોજીત્રાએ જણાવ્યુ કે, જિલ્લામાં રક્ષિત ખેતી એટલે કે ગ્રીન હાઉસ અને નેટ હાઉસની ખેતી કરતા 28-30 જેટલા ખેડૂતોને સહાય આપવામાં આવી છે. ખેડૂતો મુખ્યત્વે કેપ્સીકમ, કાકડી, સ્ટ્રોબેરી અને પર્પલ કોબીઝની ખેતી પણ આ પદ્ધતિ અપનાવીને કરતા હોય છે.
આ ખેતી પદ્ધતિને લીધે ઓફ સિઝનમાં પણ સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે. કોઈપણ ખેડૂત અરજદાર કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તો ’આઈ ખેડૂત’ પોર્ટલ પરથી અરજી કરી શકે છે. આ ઉપરાંત જિલ્લા બાગાયત કચેરી,અમરેલીનો સંપર્ક કરી શકે છે. અમરેલી જિલ્લાના ખેડૂતો માટે બરવાળા બાવીશીના પ્રગતિશીલ ખેડૂત રજનીભાઈ નાકરાણી પ્રેરણાનું ઉદાહરણ છે.