ચોમાસાના કારણે ફરિયાદો વધી: અંધારા સમયસર ઉલેચાતા ન હોવાની પણ વ્યાપક રાવ
સ્માર્ટ સિટી એવા રાજકોટમાં વરસાદના સામાન્ય છાંટા પડે ત્યાં અંધારા છવાઇ જાય છે. છેલ્લા 21 દિવસ દરમિયાન કોર્પોરેશનના કોલ સેન્ટર પર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની 3,707 ફરિયાદો નોંધાઇ છે. ચોમાસાના કારણે ફરિયાદોનું પ્રમાણ વધ્યું હોવાનું કોર્પોરેશનના અધિકારીઓ જણાવી રહ્યા છે. સામા પક્ષે ફરિયાદો પણ સમયસર ઉકેલાતી ન હોવાની રાવ લોકોમાંથી ઉઠી રહી છે.
ગત 1 થી 21 જુલાઇ દરમિયાન કોર્પોરેશનના કોલ સેન્ટર પર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની 3,707 ફરિયાદો નોંધાઇ છે. જેમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની 2,610 ફરિયાદ, સમગ્ર એરિયામાં લાઇટો બંધ હોવાની 965 ફરિયાદ, સ્ટ્રીટ લાઇટ ડેમેજ હોવાની 80 ફરિયાદ, શોર્ટ સર્કિટ થતી હોવાની 19 ફરિયાદ અને દિવસે પણ લાઇટ ચાલુ રહેતી હોવાની 33 ફરિયાદો નોંધાઇ છે. ચોમાસાના કારણે ફરિયાદો વધી હોવાની વાત માની શકાય પરંતુ સામે પક્ષે ફરિયાદોનો સમયસર નિવેડો આવતો ન હોવાની ફરિયાદો પણ લોકોમાંથી ઉઠી રહી છે.