સૌરાષ્ટ્ર યુનિ. ખાતે 15 ઓકટોબરથી આર્મી ભરતી રેલી

ધો.10 અને ધો.12 પાસ  17.5 થી 23 સુધીની વય ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે

લશ્કરી ક્ષેત્રમાં કારકીર્દી બનાવવા ઈચ્છુક સૌરાષ્ટ્રભરના યુવાઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે આર્મી ભરતી રેલીનું આયોજન થવા જઈ રહ્યું છે. જેના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે મીટીંગ યોજાઈ હતી.

જામનગરનાં લશ્કરી ભરતી દળના નિયામક  કર્નલ જી.એસ.ચહલે જણાવ્યું હતું કે,  તા. 15 ઓકટોબર થી 5 નવેમ્બર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તબક્કાવાર રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, મોરબી, દેવભૂમિ  દ્વારકા અને પાટણ જિલ્લાના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં ધોરણ 10 અને ઘોરણ 12નો અભ્યાસ પૂર્ણ કરેલાં સાડા સત્તર વર્ષ થી લઈને ત્રેવીસ વર્ષ સુધીની આયુ ધરાવતાં ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. આર્મી ભરતી રેલીનું અધિકૃત જાહેરનામું 1 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવશે.

રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લાના ઉમેદવારોની તબકકાવાર ભરતી પ્રક્રિયા યોજાશે

આર્મી ભરતી મેળાના સુચારૂ આયોજન અંગે કલેકટર  અરૂણ મહેશ બાબુએ વિગતવાર ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા નક્કર આયોજન સાથે યુવાઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તેનું ખાસ ધ્યાન રાખવા સુચન આપ્યું હતું. ઉપરાંત બહારગામથી આવતાં યુવાનોને પરિવહનની સેવા અને ટ્રાફિક વ્યવસ્થા અંગે સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. આ સાથે યુવાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતાં આપતાં કલેકટરએ સ્થળ પર કાર્ડીયોલોજીસ્ટ, મેડીસીન ઓફિસર્સ, મેડીકલ સ્ટાફ સહિતની ટીમને સ્ટેન્ડ બાય રહેવા પર ભાર મુક્યો હતો. તેમજ યુવાનો માટે એનર્જી ડ્રિંક જેમ કે, લીંબુ પાણી, છાશ અને ફુડ પેકેટની યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

જિલ્લા કલેકટરે ભરતી રેલીના સુચારૂ આયોજન સંદર્ભે બેઠક યોજી; મેડિકલ ટીમોને સ્ટેન્ડ બાય રહેવા તથા જરૂરી વ્યવસ્થા જાળવવાની સૂચના

આ બેઠકમાં રિક્રુટમેન્ટ મેડિકલ ઓફિસર મેજર વિક્રાંત તલવાર, કેપ્ટન જયદેવ જોશી, નાયબ નિયામક  રોજગાર જે.ડી.જેઠવા, મદદનીશ નિયામક રોજગાર સી.જે.દવે, પી.આઈ. વી.આર.પટેલ, જિલ્લા રમત ગમત અધિકારી વી.પી.જાડેજા, આચાર્ય આઈ.ટી.આઈ. એન.પી.રાવલ, કાર્યપાલક ઈજનેર  માર્ગ અને મકાન વિદ્યુત વિભાગના જી.પી.નાંઢા સહિત સંબંધિત વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.