જન્મદિવસે વહેલી સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે પુજા-અર્ચના કરતા મુખ્યમંત્રી
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આજે જન્મદિવસ છે. ગુજરાતની ગાદી સંભાળ્યા બાદ આજે તેઓનો પ્રથમ દિવસ હોય સેવાકીય ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન આજે સવારે સીએમએ અડાલજ સ્થિત ત્રિ મંદિર ખાતે પૂજા-અર્ચના કરી શીશ ઝૂકાવ્યું હતું. તેઓના મત વિસ્તાર એવા ઘાટલોડિયા વિધાનસભામાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપરાંત મંત્રી મંડળના તમામ સભ્યોએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
આજે 61માં જન્મદિન નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સવારે અડાલજ સ્થિત ત્રિ મંદિર ખાતે જઇ પુજા અર્ચના કરી હતી. મંદિર પરિસરમાં આવેલા સિમંધર સ્વામી, યોગેશ્ર્વર ભગવત, દાદા ભગવાન અને નીરૂમાંની સમાધીના દર્શન કર્યા હતા. આજે તેઓના મતવિસ્તાર ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ સેવાકીય કાર્યો સાથે મુખ્યમંત્રીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. સવારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફૂટ વિતરણ, દર્દીઓના સગા માટેના અન્નક્ષેત્રમાં મીઠાઇ વિતરણ અમદાવાદ કોર્પોરેશન દ્વારા 60 હજાર વૃક્ષોનું વાવેતર, ઘાટલોડિયા વિધાનસભા હેઠળ આવતા તમામ વોર્ડની આંગણવાડીમાં રમકડા વિતરણ, સફાઇ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. બપોરે સોલા સ્થિત શ્રી બાલા બહુચરાજી મંદિર ખાતે બહુચર માતાના આનંદના ગરબાનો કાર્યક્રમ, ભાગવત મંદિર ખાતે ઋષિ કુમારો દ્વારા પુજન-અર્ચન તથા મંત્રોચ્ચાર, ઇસ્કોન મંદિર ખાતે મહાઆરતી અને થલતેજ શ્રી સાંઇધામ મંદિર ખાતે ગરીબોને ભોજન વિતરણ કરી મહાઆરતી કરવામાં આવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થયા બાદ ભૂપેન્દ્રભાઇ પટેલનો આજે પ્રથમ જન્મદિન છે. જો કે તેઓએ પોતાના જન્મદિનની સાદગી સાથે સેવાકીય ઉજવણી કરી હતી. રાજ્યભરમાં સીએમના જન્મદિનની સેવાકીય ઉજવણી કરવામાં આવી હતી.
સીએમ ક્રિકેટ અને વાંચનના શોખીન, સાદુ ગુજરાતી ભોજન સૌથી પ્રિય
રાજનેતાઓની માફક ઝભ્ભા-લેંઘા પહેરવાના બદલે પેન્ટ-શર્ટ પહેરવાનું વધુ પસંદ કરે છે: નાના માણસો સાથે પણ રહે છે હળીમળીને
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આજે 61મો જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેઓને મૃદુ અને મક્કમ નેતાની ઉપમા આપી છે. કાર્યકરોમાં પણ ખૂબ જ ઓછા જાણીતા એવા ભૂપેન્દ્રભાઇ પટેલ વિશે કેટલીક વાતો આજે રજૂ કરવી ખરેખર યાદગાર રહેશે. સીએમને ક્રિકેટ અને વાંચનનો ખૂબ જ શોખ છે. આટલું જ નહિં તેઓને જમવામાં સાદુ ગુજરાતી ભોજન સૌથી પ્રિય છે. ગુજરાતના મુખ્યમંત્રી હોવા છતાં તેઓમાં કોઇપણ પ્રકારનો અહંમ જોવા મળતો નથી. તેઓ દાદા ભગવાનના પરમ ઉપાસક છે. સામાન્ય રીતે નેતાઓ ઝભ્ભો-લેંઘો પહેરતા હોય તેવી લોકોમાં છાપ હોય છે પરંતુ ભૂપેન્દ્રભાઇ પટેલ મોટાભાગે પેન્ટ-શર્ટમાં જ નજરે પડે છે. તેઓ સામાન્ય નાગરિક સાથે પણ તદ્ન હળીમળીને રહે છે. કોઇપણ સાથે જરાપણ ભેદભાવ રાખતા નથી. કાર્યકારો સાથે પણ તેઓ પારિવારિક સંબંધો રાખે છે. આજે જન્મદિવસે તેઓએ સવારે દાદા ભગવાનના તીર્થધામમાં શિશ ઝૂકાવ્યું હતું. જન્મદિવસની જાજરમાન ઉજવણી કરવાને બદલે તેઓએ સેવાકીય ઉજવણી પર વધુ જોર મૂક્યો છે. પરિવારમાં ધર્મપત્ની ઉપરાંત એક દિકરો અને એક દિકરી છે અને એક લાડકવાયો પૌત્ર પણ છે. સ્વભાવે એકદમ સરળ એવા મુખ્યમંત્રીના જન્મદિવસે આજે અઢળક શુભકામનાઓનો વરસાદ વરસી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સીએમને ફોન કરી કહ્યું,હેપ્પી બર્થ ડે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 61માં જન્મ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમને ટેલીફોન કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.મુખ્યમંત્રીના નમ્ર અને વિકાસલક્ષી નેતા તરીકે ગુજરાતના વિકાસ પ્રત્યેના સેવા ભાવની વડાપ્રધાનએ સરાહના કરી છે.વડાપ્રધાને ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઊંચાઈઓ પાર કરે અને ગુજરાતના લોકોની સેવા તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ જીવન અને તંદુરસ્તી સાથે કરી શકે તેવી મનોકામના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી આવી લાગણી સભર શુભેચ્છાઓ માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરીને ગુજરાતના વિકાસમાં તેમનું માર્ગદર્શન અને પ્રેરણા સતત મળતા રહે છે તેનો પણ આભાર માન્યો હતો.