સ્થળ પસંદગી કેમ્પમાં 94 શિક્ષકોની નિયુક્તિ : રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે સ્થળ પસંદગીનો કેમ્પ યોજાયો
રાજકોટ જિલ્લામાં ઘણાં સમયથી શાળાઓમાં ખાલી પડેલ શિક્ષકોની ભરતી કરવા માટે સ્થળ પસંદગીનો કેમ્પ યોજાયો હતો.
જેમાં 100 ઉમેદવારોને હાજર રહેવાનું જણાવાયું હતું. જેમાંથી 94 ઉમેદવારોને પ્રાથમિક શિક્ષક તરીકેના નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. 6 ઉમેદવારો જુદા જુદા કારણસર ગેર હાજર રહ્યા હતાં. જિલ્લામાં ઝીરો શિક્ષક ધરાવતી 18 શાળાઓને ગુરૂ પુર્ણિમાનાં દિવસે શિક્ષકો મળતા આ શાળાઓમાં શિક્ષણ કાર્ય વધુ સઘન બનશે.
વિદ્યા સહાયકોની ભરતી કેમ્પમાં 94 ઉમેદવારોએ સ્થળ પસંદગી કેમ્પમાં હાજર રહેતા ધો.1 થી 5 માં 38 અને ધો.6 થી 8 માં 64 શિક્ષકોની નિમણુંક કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સુત્રોનાં જણાવ્યા અનુસાર હજુ રાજકોટ જિલ્લામાં 500 થી વધુ પ્રાથમિક શિક્ષકોની જગ્યા ખાલી રહી છે તે આગામી દિવસોમાં ભરવામાં આવશે. અલબત તે પહેલાં પ્રાથમિક શિક્ષકોનાં બદલી કેમ્પ યોજાશે. નવ નિયુક્ત વિદ્યા સહાયકોને પાંચ વર્ષ સુધી રૂા 19,950 નો ફિક્સ પગાર આપવામાં આવશે ત્યારબાદ રેગ્યુલર પે સ્કેલમાં તેઓની નિયુક્તિ થશે.
રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 5600 શિક્ષકોના મહેકમ સામે 4900 શિક્ષકોની જગ્યા ભરાયેલી છે જે પૈકી ધોરાજી તાલુકાનું ઉમરકોટ, જેતપુરનું નાનામહિકા અને પીપળવા, રાજકોટનું રાણપુર ગામ એવું હતું જયાં પ્રાથમિક શાળામાં એક પણ શિક્ષક ન્હોતા. જિલ્લામાં 18 જેટલી પ્રાથમિક શાળાઓને આજે એક એક શિક્ષકની ફાળવણી કરવામાં આવી હતી એ જ રીતે જયાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે પરંતુ શિક્ષક માત્ર એક જ છે તેવી પ્રાથમિક શાળાઓને આજે વધારાના શિક્ષક ફાળવવામાં આવ્યા હતાં. રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શાળામાં આ નવા શિક્ષકોની નિમણૂક કરાતા હવે જિલ્લાના બાળકોને શિક્ષણ મળતું થશે.