- ફટાકડીનો પટ્ટો દર વર્ષે રિન્યુ માટે સજજ થવું પડશે? હથિયાર લાયશન્સ ધારકનું મેડિકલ ચેકઅપ જરૂરી બનશે
- સુરેન્દ્રનગરના રેવન્યુ વિભાગના ભ્રષ્ટાચારની સીબીઆઇ તપાસની સાથે પોલીસની કડક કાર્યવાહીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ
સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલિન કલેકટર કે.રાજેશ સામે સરકારી વીડી ખાનગી ઠેરવવાના મુદે સીબીઆઇ દ્વારા રેવન્યુ તંત્રમાં ચાલતી ગેરરીતી સામે ઝુંબેશ શરૂ કરવામાં આવતા ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ મચી ગયો છે તેમ ઝાલાવાડ પંથકમાં એક સમયે જુદી જુદી જ્ઞાતિ વચ્ચે ચાલતા વૈમનશ્ય, ગેડીયા ગેંગનો આંતક, ખનિજ માફિયા, લીસ્ટેડ બુટલેગર અને મિલકત વિરોધના ગુના અટકાવવા પોલીસ દ્વારા કરાયેલી કડક કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે.
સુરેન્દ્રનગરના બામણબોર નજીક આવેલા જીવાપરની સરકારી વીડીને ખાનગી ઠેરવી આચરેલા કૌભાંડની સીબીઆઇ દ્વારા ચાલી રહેલી તપાસ દરમિયાન તત્કાલિન જિલ્લા કલેકટર કે.રાજેશ દ્વારા કેટલાક હથિયાર પરવાના આપવામાં આવ્યા તેમાં પણ ગેરરીતી આચરી હોવાનું સામે આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સરકાર દ્વારા તમામ સામે કડક કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા હતા. જેના પગલે સુરેન્દ્રનગર પોલીસ એકશનમાં આવી ગુનેગારોને કાયદાનું ભાન કરાવ્યું છે.
જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવેલા હથિયાર પરવાનામાં પોલીસનો અભિપ્રાય નેગેટીવ હોવા છતાં આપવામાં આવ્યા છે. એક જ પરિવારની બે વ્યક્તિને સુરક્ષા માટે હથિયાર લાયશન્સ માગતા એક જ વ્યક્તિને લાયશન્સ આપ્યું હોવાનું ખુલ્યું હતું. હથિયાર પરવાના રિન્યુ ન થવા અંગે પણ કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. હથિયાર પરવાનો ધરાવતી વ્યક્તિનું મોત થયું હોય, વિદેશ જતા રહ્યા હોય અને ગુનામાં સંડોવાયા હોય તેવી વ્યક્તિઓના હથિયારના લાયશન્સ રિન્યુ નથી થયા જેના કારણે કેટલાક માથાભારે શખ્સો કમ્મરે ફટાકડી લટકાવવાનો શોખ પુરો કરવા ગેર કાયદે હથિયાર રાખતા હોવાનું રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહના ધ્યાને આવતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત અને ડીવાય.એસ.પી. એચ.પી.દોશી સહિતના સ્ટાફ દ્વારા હથિયાર પરવાનો ન હોવા છતાં હથિયાર ધરાવતા સાત શખ્સોને ગેર કાયદે હથિયાર રાખવાના ગુનામાં ઝડપી લીધી છે. આ ઉપરાંત એટીએસની ટીમ દ્વારા ગેર કાયદે હથિયારનો મોટો જથ્થો પકડી પાડયો હતો.
રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહ દ્વારા રેન્જના પાંચેય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પર ચાપતી નજર રાખી દ્વારકા અને ઘેલા સોમનાથ મંદિરની સુરક્ષા સહિતના મુદે પોલીસ સ્ટાફને એલર્ટ કર્યો હોવાથી એસપી હરેશ દુધાત અને ડીવાય.એસ.પી. એચ.પી.દોશી, જે.ડી.પુરોહિત, સી.પી. મુંધવા અને એલ.સી.બી.પી.આઇ. એમ.ડી ચૌધરી તેમજ એસઓજી પી.આઇ. વી.વી.ત્રિવેદી સહિતના સ્ટાફે પોલીસની જુદી જુદી ટીમ બનાવી માત્ર જુન માસ દરિમયાન દારૂ અંગેના 346, જુગારના 45 કે, એન.ડી.પી.એસ.નો એક કેસ, ગેર કાયદે હથિયારના સાત, મિલકત વિરોધી પંદર ગુના, ગુનામાં સંડોવણી બહાર આવ્યા બાદ નાસતા ફરતા 35 શખ્સોને ઝડપી લીધા હતા તેમજ જેલમાંથી ભાગી છુટેલા શખ્સોને તાત્કાલિક ઝડપી લેવા સહિતના ગુનામાં સંડોવાયેલા 845 શખ્સો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે.
બીપીની વધઘટ તમારો હથિયાર પરવાનો છીનવશે!!
હેલ્થના મુદે આપવામાં આવતી લીકર પરમીટ ધારકને હથિયાર રાખવાનું લાયશન્સ આપવામાં નહી આવે અને બંને પરવાના ધરાવતી વ્યક્તિને એક પરવાનો રદ કરાવા અંગે સરકાર દ્વારા ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. જેઓને બીપીની બીમારીના કારણે રાતે પુરતી ઉંઘ ન થતી હોય તેઓની તબીબી અભિપ્રાય બાદ દારૂની પરમિટ આપવામાં આવતી હોય છે. બીપીના દર્દીનો સ્વભાવ ઉગ્ર રહેતો હોવાથી તે ગમે ત્યારે ઉશ્કેરાટમાં આવી તેની પાસે હથિયાર હોય તો તે ફાયરિંગ જેવો ગંભીર ગુનો ન કરે તે મુદે હથિયાર પરવાનો હોય તેઓનું લાયશન્સ રિન્યુ ન કરવા વિચારણા ચાલી રહી છે. આ અંગેનો રાજકોટના તત્કાલિન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અમલ શરૂ કરી દીધો હતો અને તેનો રાજકીય વિરોધ પણ થયો હતો.
કે. રાજેશના સમયમાં આપવામાં આવેલા હથિયાર લાયશન્સ અંગે ફેર તપાસ
રાજયમાં પોલીસ કમિશનર અને જિલ્લા કલેકટરને હથિયાર પરવાનો આપવાની સત્તા ધરાવે છે પરંતુ હથિયાર પરવાના માટે કેટલાક નિતિ નિયમ બનાવવામાં આવ્યા છે. તે તમામ નિતિ નિયમ મુજબ આપવામાં આવતા હોય છે. જેમાં છેલ્લા પાંચ વર્ષના આઇડટી રિટર્ન, પોલીસનો પોઝિટીવ અભિપ્રાય અને હથિયાર રાખવા માટેનું વ્યાજબી કારણ હોવાનું જરૂરી છે. પોલીસના રિપોર્ટ નેગેટીવ હોવા છતાં સુરેન્દ્રનગરમાં હથિયારના લાયશન્સ ઇસ્યુ થયા હોવાની સહિતની અનેક ફરિયાદને ધ્યાને લઇ તત્કાલિન કલેકટર કે.રાજેશ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા 100થી વધુ હથિયારનો પરવાનો કંઇ રીતે આપ્યો તે અંગે ફેર તપાસ શરૂ કરવામાં આવી છે.