સુરત હવે સ્માર્ટ સિટીની સાથે ક્રાઈમ સીટી તરીકે પણ ઓળખાવા લાગ્યું છે. દિવસે ને દિવસે ક્રાઇમની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે વધુ એક કિસ્સો સુરતના અડાજણમાં બન્યો છે. અડાજણ પોલીસ સ્ટેશનની હદમાં થોડા દિવસ પહેલા SMCના કર્મચારી જેવા કપડા પહેરી ઘરમાં ગાર્ડન ચેક કરવાનું કહી ઘૂસી મહિલાનું મોંઢુ દબાવી લુંટ કરવાની કોશીશની ઘટના બની હતી. આ ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં ત્રણે ઈસમોએ લૂંટનો પ્રયાસ કર્યો હોય તેવું દેખાઈ રહ્યું હતું.
આ બાબતે ભોગ બનનાર મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે લૂંટના પ્રયાસનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આરોપીઓને શોધખોળ કરવા માટે પોલીસે 300થી 350 કરતાં વધારે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ ત્રણેય આરોપીઓ કતારગામ લક્ષ્મીની ડેરીની બાજુની ગલીમાં એક એપાર્ટમેન્ટમાં આવેલ ઓફીસમાં રહેતા હતા. જેમાંથી બે આરોપી હાલ પોતાના વતન મહેસાણા ઉંઝા ખાતે ભાગી ગયા હતા. અને પોલીસની બાત ને મળી હતી કે એક આરોપી ઓફિસમાં આવવાનો છે તેથી પોલીસે બાતમી વાળી જગ્યા પર વોચ ગોઠવી હતી.
ત્યારબાદ બીજી ટીમને ઊંઝા મહેસાણા ખાતે રવાના કરી હતી અને ત્યાંથી બે આરોપીને પકડી લેવામાં આવ્યા હતા. એક આરોપી ઊંઝા થી પકડાયો હતો અને બીજો આરોપી વિસનગર થી ઝડપાયો હતો. પોલીસે ત્રણે આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
પોલીસને તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ અગાઉ પણ લૂંટના ગુનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો છે પરંતુ બે વખત તેઓ નિષ્ફળ રહ્યા છે. આરોપીના નામ ભાવેશ ગોધાણી, મયુર મોદી અને મનીષ મોદી હોવાનું સામે આવ્યુ છે. પોલીસની તપાસમાં સામે આવ્યુ હતું કે આરોપી સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ જેવો દેખાતો યુનિફોર્મ એક લારી પરથી લાવ્યા હતા. જેમાં તેમને આ લારી પરથી બ્લુ કલરના શર્ટની ખરીદી કરી હતી અને પેન્ટ પોતાનું જ હતું.