દ્રોપદી મુર્મુને સમર્થન આપવા શિવસેનાના સાંસદોમાંથી ઉઠતો અવાજ: ભાજપ નજીક આવવા માટે ઉઘ્ધવ ઠાકરે પાસે સોનેરી તક
અઢી દાયકા સુધી એકબીજાના ભાઇબંધ મનાતા એવા ભાજપ અને શિવસેના વચ્ચે વર્ષ-2019 થી મડાગાંઠ પડી છે. સત્તાની લાલચમાં ઉદ્વવ ઠાકરેએ તદ્ન વિપરિત રાજકીય વિચારધારા ધરાવતા પક્ષો સાથે ગઠબંધન કર્યું હતું. જો કે સાચા શિવસૈનિક એવા એકનાથ શિંદે સહિતના શિવસેનાના 40 ધારાસભ્યોએ ભાજપ સાથે હાથ મિલાવી મહારાષ્ટ્રમાં સરકાર રચી દીધી છે. સરકાર ગુમાવનાર ઉદ્વવના હાથમાંથી હવે શિવસેના પણ સરકી રહી છે. આવામાં રાષ્ટ્રપતિ પદના ભાજપના ઉમેદવાર એવા દ્રોપદી મુર્મુને સમર્થન આપી ઉદ્વવ ઠાકરે પોતાની ડૂબતી નાવ બચાવી લેવા રિતસર તલપાપડ થઇ રહ્યા છે.
પોતાની રાજકીય કારકિર્દીના સૂર્યને મધ્યાહને ડૂબતો બચાવવા અને રાજકીય વિરાસત સમી શિવસેનાને ઠાકરે પરિવાર અર્થાત માતોશ્રીના દરવાજાની બહાર જતી અટકાવવા માટે ઉદ્વવ પાસે ભાજપના શરણમાં જવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી. આગામી 18મી જુલાઇના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે આ માટે સ્ટેન્ડ નક્કી કરવા ગઇકાલે ઉદ્વવ ઠાકરે દ્વારા સાંસદો સાથે એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં શિવસેનાના 19માંથી 12 સાંસદોએ એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મુને સમર્થન આપવાની વાત કરી હતી. ગત અઠવાડિયે દક્ષિણ મધ્ય મુંબઇના સાંસદ રાહુલ સેવાલે પણ આ અંગે રજૂઆત કરી હતી. એવો અહેવાલ ટાંકવામાં આવ્યો છે કે મુર્મુ એક સક્ષમ આદિવાસી નેતા છે અને સામાજીક ક્ષેત્રમાં તેઓનું ઘણું યોગદાન રહ્યું છે. ભૂતકાળમાં પણ શિવસેના દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પ્રતિભા પાટીલ અને પ્રણવ મુખર્જીને સમર્થન આપવામાં આવ્યું હતું. હવે એક આદિવાસી મહિલા જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભા રહ્યા છે ત્યારે શિવસેનાએ પોતાનું રાજકીય ઉત્તરદાયિત્ય નિભાવતા તેનું સમર્થન કરવું જોઇએ. બીજી તરફ ઉદ્વવ ઠાકરે પણ મનોમન ભાજપ તરફ સરકવા માટે તલપાપડ થઇ રહ્યા છે. શિવસેના પર ઠાકરે પરિવારનું વર્ચસ્વ યથાવત રહે તે માટે ઠાકરે પાસે હવે ભાજપ સાથે ફરી દોસ્તી કરવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિતના શિવસેનાના બાગી ધારાસભ્યો સેનામાં પરત આવવા તૈયાર છે અને માતોશ્રીમાં પણ જવા તૈયાર છે. પરંતુ તેઓની એક શરત છે કે શિવસેના પોતાની હિન્દુવાદી વિચારસરણીમાં પરત ફરે અને ભાજપ સાથે ફરી ગઠબંધન કરી આગળ વધે.
સરકાર ગુમાવ્યા બાદ હવે સંગઠન ગુમાવવા ઉદ્વવ ઇચ્છતા નથી. તેના કારણે હવે તેઓ થોડા કૂણા પડ્યા છે. એકલા ભાજપ તરફ સરકવા માંગતા નથી માટે સાંસદોનો અભિપ્રાય લીધા બાદ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મુનું સમર્થન કરી ભાજપ નજીક જશે અને પોતાની ડૂબતી નાવને બચાવી લેશે.