બંને ટાવરની ઘડીયાળ શરૂ કરવા ટેન્ડર પ્રસિદ્વ કરાયા
રાજકોટના ભવ્ય ભૂતકાળની સાક્ષી આપી રહેલા રૈયાનાકા ટાવર અને બેડીનાકા ટાવરનો સુવર્ણ સમય પાછો ફરી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા આ બંને ટાવરની વર્ષોથી બંધ ઘડિયાળ ફરી શરૂ કરવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યા છે. સાથોસાથ ચાર વર્ષ સુધી ઓપરેશન અને મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવશે.
આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરમાં રાજાશાહી સમયના રૈયાનાકા અને બેડીનાકા ટાવરનું વર્ષ-2010ની સાલમાં રીનોવેશન કરવામાં આવ્યું હતું અને ઘડિયાળ ફરી શરૂ કરાઇ હતી. જો કે થોડા સમયમાં આ બંને ટાવરની ઘડિયાળ બંધ થઇ ગઇ હતી. વર્ષ-2017માં ફરી એક વખત ઘડિયાળો શરૂ કરવામાં આવી હતી. પરંતુ કબૂતર સહિતના પક્ષીઓના ત્રાસના કારણે ઘડીયાળ વધુ એક વખત બંધ થઇ જવા પામી હતી. બાંધકામ શાખા દ્વારા થોડા સમય પહેલા બંને ટાવર ખાતે રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કબૂતર સહિતના પક્ષીઓનો ત્રાસ ઓછો થાય તે રીતે કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન હવે ફરી એક વખત કોર્પોરેશન દ્વારા આ બંને ટાવરના ક્લોકનું મોડિફીકેશન અને ચાર વર્ષના કોમ્પ્રોહેશિંવ મેઇન્ટેનન્સની કામગીરી માટે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું છે. આ શોર્ટ ટર્મ ટેન્ડરની મુદ્ત 15 જુલાઇ નિયત કરવામાં આવી છે. આ બંને ટાવરની ઘડીયાળની રિપેરીંગ પાછળ આશરે 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ રહેલો છે. ટૂંક સમયમાં ફરી આ બંને ટાવરો રાજકોટવાસીઓને સમય બતાવતા થઇ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજાશાહી સમયમાં આ બંને ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં એવા મોટા અવાજના ઘંટ મુકવામાં આવ્યા હતા કે જ્યારે સમય બતાવવા માટે ઘંટ રણકે ત્યારે તેનો અવાજ બહું દૂર-દૂર સુધી સંભળાતો હતો. તે જમાનામાં ખૂબ જ ઓછા લોકો પાસે ઘડીયાળ હતી ત્યારે આ ટાવરનું ખૂબ જ મહત્વ રહેતું હતું. હવે દરેક વ્યક્તિ પાસે મોબાઇલમાં ઘડિયાળ ઉપલબ્ધ છે ત્યારે સમય જોવાનું મહત્વ ઘટી ગયું છે. પરંતુ રાજકોટની ઓળખ ફરી ઉભી થાય અને ભવ્ય ભૂતકાળથી નવી પેઢી પણ માહિતગાર થાય તે માટે કોર્પોરેશન દ્વારા ફરી રૈયાનાકા અને બેડીનાકા ટાવરની ઘડિયાળ શરૂ કરાશે.