ધ્રોલના હામાપર ગામે જતી જાનની કાર જાયવા પાસે એસ.ટી. બસ સાથે અથડાતા સર્જાઈ કરુણાંતિકા
જામનગર હાઇવે પર ધ્રોલ નજીક જાયવા ગામ પાસે આજે સવારે 11:30 ના અરસામાં રાજકોટ થી જતી વરરાજાની કારને અકસ્માત નડ્યો હતો જેમાં ચાર બાળકો અને વરરાજા સહિત આઠ લોકો ગવાયા હતા જ્યારે કારચાલકનું ઘટના સ્થળ પર જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે જામનગર હાઇવે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. જ્યારે અકસ્માતથી સર્જાયેલા ટ્રાફિકને ક્લિયર કરવા માટે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા સાગર નગરમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા કિશન સામતભાઈ સોલંકી નામના 22 વર્ષના યુવાનની જાન ધ્રોલના વિરાણી ખીજડિયા ગામે જઈ રહી હતી. તે દરમિયાન ધ્રોલ પહેલા જાયવા ગામે વરરાજાની કાર જીજે- 03 – એલઆર – 7716 ધ્રોલના જાયવા ગામ પાસે પહોંચતા ત્યાં પસાર થઈ રહેલી જીજે-18-ઝેડ-0450 નંબરની એસટી બસ સાથે અકસ્માત નડ્યો હતો.
ઘટનાના પગલે રોડ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો: પોલીસનો કાફલો ઘટના સ્થળે: રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો
જેમાં કાર ચલાવી રહેલા રાજેશભાઈ નરશીભાઈ કુકડિયા નામના 31 વર્ષના યુવાનનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. મૃતક રાજેશ સબંધના કારણે વરરાજા સાથે હતો હોય અને અકસ્માત થતા ફળના વેપારીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે વરરાજાના પરિવારજનોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અકસ્માતના પગલે વરરાજા કિશનના બનેવી તથા બહેન અને ભાભી સહિત બાળકો ઘાયલ થતાં તેમને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હામાપર ગામથી દુલ્હનની ડોલી ઉઠે તે પહેલા વરરાજાના પરિવારજનોમાં અર્થી ઉઠતા માહોલ શોકમાં બદલાયો છે.
અકસ્માતમાં મૃતક અને ઘવાયેલાની યાદી
- રાજેશભાઈ નરશીભાઈ કૂકડિયા ( મૃતક )
- કિશન સામતભાઈ સોલંકી (ઉ.વ.22) (ઘાયલ)
- ભરતભાઈ વાલાભાઈ (ઉ.વ.35) (ઘાયલ)
- અરૂણાબેન ભરતભાઈ (ઉ.વ.28) (ઘાયલ)
- કોમલબેન વિપુલભાઈ સોલંકી (ઉ.વ. 30) (ઘાયલ)
- વિષ્ણુ ભરતભાઈ (ઉ.વ.3) (ઘાયલ)
- યોગેશ ભરતભાઈ (ઉ..વ.4) (ઘાયલ)
- શીતલ ભરતભાઈ (ઉ.વ.3) ( ઘાયલ)
- પૂર્વી વિપુલભાઈ સોલંકી ( ઉ.વ.2) (ઘાયલ)