તંત્ર દ્વારા 743 ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરાયું
ભારે વરસાદના પગલે ખોરંભાયેલા વીજ પુરવઠાને ત્વરિત પૂર્વવત કરવા માટે જુનાગઢ પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળની 21 પેટા વિભાગની અને અન્ય 21 લાઈન કોન્ટ્રાક્ટરની ટૂકડીઓ ઉપરાંત 4 ટ્રાન્સફોર્મર રિપેરીંગની ટીમ સતત ખડેપગે કામ કરી રહી છે. જેના પરિણામે 90 ફીડરોની ક્ષતિને ત્વરિત દૂર કરવામાં આવી હતી તેમજ 38 ગામોનો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં જ પૂર્વવત કરવામાં આવ્યો હતો. ઉપરાંત 743 ગ્રાહકોના પાવર સપ્લાય બંધ અંગેની ફરિયાદનું તે જ દિવસે નિરાકરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પીજીવીસીએલ જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળ ચાર વિભાગીય કચેરીઓ અને 21 પેટા વિભાગીય કચેરીઓ આવેલી છે. જેમાં જૂનાગઢ જિલ્લાના 7 તાલુકાઓ અને ગીર સોમનાથ જિલ્લાના 3 તાલુકાઓમાં વીજ વિતરણની કામગીરી કરવામાં આવે છે. વીજ વિતરણની કામગીરી માટે આશરે 16440 કિલોમીટરમાં ભારે દબાણવાળી, 11560 કિલોમીટરમાં હળવા દબાણવાળી વીજલાઈન આવેલી છે. આમ, 85153 ટ્રાન્સફોર્મરની મારફત 464 ગામોમાં આશરે 5.40 લાખ ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.