આતંકી પાસેથી એકે-47, ચાર પિસ્તોલ, દારૂ-ગોળા સહિતનો જથ્થો કબ્જે
ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં તંગધાર સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરીની કોશિશ દરમિયાન ફાયરિંગમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. જો કે, સાથે એક જવાન પણ શહિદ થયાના સમાચાર મળી રહ્યા છે. શુક્રવારે વહેલી સવારે આતંકી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સેના દ્વારા ઘૂસણખોરીને સફળતાપૂર્વક નિષ્ફળ કરવામાં આવી હતી.
શંકાસ્પદ હિલચાલની જાણ થતાં એલઓસી પર ફરજ બજાવતા સૈનિકોએ ઘૂસણખોરોને પડકાર ફેંક્યો હતો.ત્યારપછીની ગોળીબારમાં એક ઘૂસણખોરને ઠાર મારવામાં આવ્યો હતો જ્યારે 6 જેકે રાઇફલ્સના સૈનિક જસવીર સિંહને ગોળી વાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
વિસ્તારની શોધ દરમિયાન, સૈનિકોએ એક એકે-47 રાઇફલ, ચાર પિસ્તોલ, ત્રણ એકે-47 મેગેઝિન, ત્રણ પિસ્તોલ મેગેઝિન, પાંચ હેન્ડ ગ્રેનેડ અને દારૂગોળો સાથે એક અજાણ્યા ઘૂસણખોરનો મૃતદેહ મેળવ્યો હતો.અગાઉ 20 મેના રોજ એલર્ટ સૈનિકોએ તંગધાર સેક્ટરમાં એલઓસી પર આવી જ ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી હતી અને એક આતંકવાદીને ઠાર માર્યો હતો.