લગ્નનું વચન આપી શારીરિક સંબંધ માટે દબાણ કરાયું હોય તો તેને બળાત્કારની વ્યાખ્યામાં સમાવિષ્ટ કરી શકાય: કેરળ હાઇકોર્ટ
કેરળ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા કહ્યું છે કે, લગ્નની ના પાડી દીધી હોય પણ શારીરિક સંબંધ યુગલની સહમતીથી બંધાયા હોય તો તેને બળાત્કાર ગણી શકાય નહીં. જો શારીરિક સંબંધ બળજબરીથી અથવા તો છેતરપિંડીથી બાંધવામાં આવ્યા હોય તો ચોક્કસ બળાત્કાર કહી શકાય પરંતુ જ્યારે સંબંધ જ સહમતીથી બંધાયો હોય તો તેને બળાત્કાર ગણી જ શકાય નહીં. હાઇકોર્ટના આ ચુકાદાની અસર અનેક બળાત્કારની ફરિયાદો પર થશે કેમ કે, હાલના સમયમાં શારીરિક સંબંધ બાદ લગ્ન નહીં કરતા પુરુષ પર બળાત્કારની ફરિયાદના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ ચુકાદો આવા કિસ્સાઓમાં લેન્ડમાર્ક સમાન સાબિત થશે.
કેરળ હાઈકોર્ટે જામીન અરજીની સુનાવણી દરમ્યાન જો દંપતી વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હોય તો પુરુષ પર બળાત્કારનો આરોપ લગાવી શકાય નહીં. કોર્ટનું કહેવું છે કે, જો સંબંધ કામ ન કરે તો પુરુષને બળાત્કારનો દોષી માની શકાય નહીં. શુક્રવારે આ મામલે કોર્ટ પોતાનો ચુકાદો આપે તેવી શક્યતા છે.
નવનીત એન નાથના કેસની હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. એક સહકર્મી દ્વારા કરાયેલી જાતીય શોષણની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી. એવા આરોપો હતા કે, નાથ લગભગ 4 વર્ષ સુધી મહિલા સાથે સંબંધમાં હતા. પરંતુ બાદમાં તેણે કોઈ અન્ય સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. જ્યારે મહિલાને આ વિશે ખબર પડી ત્યારે તે હોટલમાં નાથના મંગેતરને મળી હતી. જોકે એક અહેવાલ છે કે તેણે કથિત રીતે પોતાની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં પોલીસ પૂછપરછ દરમ્યાનમહિલાએ પોતાના મનની વાત કહી, જેના કારણે તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી.
નાથ તરફથી હાજર રહેલા એડવોકેટ રમેશ ચંદરે રજૂઆત કરી હતી કે, અરજદાર મહિલા સાથે લગ્ન કરવા માંગે છે અને તેઓ ઘણા વર્ષોથી શારીરિક સંબંધો ધરાવે છે, જે સંપૂર્ણ સંમતિથી હતા. ચંદેરે કોર્ટને એ પણ જણાવ્યું કે દંપતી શરૂઆતથી જ જાણતા હતા કે અલગ-અલગ ધર્મના હોવાના કારણે તેમને આ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ વાતની જાણ થતાં મહિલાએ સંબંધ ચાલુ રાખ્યો હતો. આ સાથે નાથને તેના માતાપિતાએ યુવતી સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યા પછી જ તે તેની મંગેતરને મળ્યો હતો.
મહિલાનું પ્રતિનિધિત્વ કરતા વકીલે જણાવ્યું હતું કે, લગ્નના વચનને કારણે બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા જે હવે ખોટા સાબિત થયા છે. તે જ સમયે, સરકારી વકીલે પણ નાથના જામીનનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જે પણ સંમતિ મેળવવામાં આવી હતી તે હકીકતની ખોટી માન્યતા પર આધારિત હતી અને આ કેસમાં બળાત્કાર ગુનો છે.
જસ્ટિસ બેચુ કુરિયન થોમસે મૌખિક રીતે અવલોકન કર્યું હતું કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં સંબંધોની પ્રકૃતિ અને બંને વચ્ચેની અપેક્ષાઓ ઘણી બદલાઈ ગઈ છે. અને જો સ્ત્રી-પુરુષ વચ્ચેનો સંબંધ ન ચાલ્યો હોય તો તેના કારણે બળાત્કારના આરોપો ન લગાવી શકાય. ન્યાયાધીશે કહ્યું કે, સંબંધોમાં આવેલા બદલાવને કારણે આ દંપતી અલગ થઈ ગયા અને અન્ય લોકો સાથે લગ્ન કર્યા. તેથી, તે જરૂરી નથી કે કોઈ વ્યક્તિ લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવી હોય. જો કે કોર્ટે એમ પણ કહ્યું કે, આ કેસમાં એ પણ જોવાનું રહેશે કે લગ્નના વચન પર શારીરિક સંબંધની પરવાનગી લેવામાં આવી છે કે કેમ.