રાજ્યમાં સૌથી વધુ કપાસનું 12 લાખ હેક્ટરમાં વાવેતર: મગફળીનું વાવેતર 9,05,000 હેક્ટર સાથે દ્વિતીય ક્રમે રહ્યું
રાજ્યમાં સરેરાશ વરસાદ ગત વર્ષ જેટલો જ છે છતાં એકંદરે માઠી અસર જોવા મળી રહી છે, ગત સાલ 40,53,982 હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું તેની સામે આ સાલ 30,20,616 હેક્ટરમાં એટલે કે, એકંદરે 25.49 ટકા ઓછું વાવેતર નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં કુલ 22,99,500 હેક્ટરમાં ખરીફ વાવેતર નોંધાયું છે. ખેડૂતોને આ વખતે કાચા કપાસના પ્રતિ મણના રૂ.2900 સુધીના ભાવ ઉપલબ્ધ બનતા ધરતીપુત્રોને કપાસ પ્રત્યે જબરું આકર્ષણ જોવા મળતા કુલ 12 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે, તો મગફળીનું વાવેતર 9,05,000 હેક્ટર સાથે દ્વિતીય ક્રમે રહ્યું છે.
કૃષિ વિભાગના રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં મગફળીમાં 4.30 લાખ તેમજ કપાસમાં 94 હજાર હેક્ટર ઓછી વાવણી નોંધાઇ છે. રાજ્યમાં કુલ 30.20 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે તેમાં સૌરાષ્ટ્રનું પ્રદાન 22.99 લાખ હેક્ટર છે. સૌરાષ્ટ્રમાં આ સાલ કપાસના વાવેતર પ્રત્યે ખેડૂતોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ 2,97,600 હેક્ટરમાં ત્યાર બાદ સુરેન્દ્રનગર પંથકમાં 2,13,100 હેક્ટર અને રાજકોટ જિલ્લામાં 1,63,200 હેક્ટર વાવેતર નોંધાયું છે.મગફળીના વાવેતરમાં જૂનાગઢ જિલ્લો 1,74,500 હેક્ટર સાથે પ્રથમ ક્રમે તેમજ રાજકોટ જિલ્લો 1,71,500 હેક્ટર સાથે દ્વિતીય ક્રમે રહ્યો છે. આ વખતે સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી સાથે એકંદરે સોયાબીનનું વાવેતર પણ વધ્યું છે. સમગ્ર ગુજરાતમાં 81,000 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થયું છે ત્યારે તે પૈકી સૌરાષ્ટ્રમાં 64,600 હેક્ટરમાં નોંધાયું છે.