- વેપારીએ પોતાના પર થતી પોલીસ કાર્યવાહી અંગે આરટીઆઈ કરતા હવાલાકાંડનો થયો પર્દાફાશ
- રૂ.60 લાખની જીએસટીની નીકળતી રકમ ન ચૂકવવા એસીપી દિહોરાએ હવાલો લીધો: હેડ કોન્સટેબલ ખોડુભા જાડેજા અને કિશોરભાઈ ધુંધલ ગાંધીગ્રામ પોલીસ મથકે બોલાવી માનસિક ત્રાસ ગુજારતા હોવાનો આક્ષેપ
રાજકોટ શહેર પોલીસની છબી હજુ સુધરી નથી ત્યારે ફરી એકવાર પોલીસનો વધુ એક હવાલાકાંડ બહાર આવ્યો છે. શહેરના એક વેપારીએ પોલીસ કમિશનર કચેરીએ ફિનાઇલ પી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસના ત્રાસથી કંટાળી વેપારીએ આવું પગલું ભર્યાનું જણાવ્યું હતું. ઇલેક્ટ્રિક સામાનનું વેચાણ કરતા વેપારીએ જણાવ્યું હતું કે એડમિરલ એન્ટરપ્રાઇઝના માલિકો પાસેથી નીકળતી લાખોની રકમ માંગતા તેઓએ એસીપી પી.કે.દિહોરાને હવાલો સોંપ્યો હતો. એસીપી દિહોરાના કહેવાથી ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ખોડૂભા જાડેજા અને અગાઉ વિવાદમાં ફસાયેલા કિશોરભાઈ ધૂંધલ વેપારીને પોલીસ મથકે બેસાડી રાખી માનસિક ત્રાસ ગુજારતા હોવાથી આત્મવિલોપનનું પગલું ભર્યાનું જણાવ્યું હતું.
રાજકોટ પોલીસની ખરડાયેલી છબીના દાઝેલા ડામ હજુ તાજા છે. ત્યારે વધુ એક વાર પોલીસમાં હવાલાકાંડ બહાર આવ્યો છે. જેમાં પોલીસે ભોગ બનેલા વેપારીની મદદ કરવાને બદલે આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરી વેપારીને જ માનસિક ત્રાસ ગુજારીયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગેની મળતી વિગત મુજબ, યુનિવર્સિટી રોડ રવિરત્ન પાર્કમાં રહેતા વેપારી પિયુષ જશવંતલાલ મહેતા (ઉ.વ.35)એ ગઈકાલે સાંજે પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઈલ ગટગટાવી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસની પૂછપરછમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઘરવખરીના સામાનનો હોલસેલ વેપાર કરતા પિયુષ મહેતાએ સવજીભાઈ શિંગાળા, મિતેષ શિંગાળા અને મનીષાબેનને રૂા.3.75 કરોડનો ઈલેકટ્રીકસનાં સામાન અને ઘરવખરીનો સામાન વેંચાણ માટે આપ્યો હતો. જે પેટે સવજી શિંગાળા અને મિતેષ શિંગાળાએ રૂ.3.15 કરોડ ચૂકવ્યા હતા જ્યારે બાકીના રૂ.60 લાખ જીએસટીના 14 માસથી ચૂકવતા ન હોય અને વાયદા કરતા હતા.
બાકી નિકળતા પૈસા ન હોય અને સામાવાળા વેપારીએ ચૂકવવાના હેરાન કરી ટોર્ચર કરવામાં આવતા એસીપી દિહોરાને અરજી કરી હોલસેલના વેપારી પૈસાની પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતો હોવાની અરજી કરતા પિયુષ મહેતાને પોલીસમેન ખોડુભા અને કિશોરભાઈ અવાર નવાર પોલીસ સ્ટેશન બોલાવી બેસાડી રાખી હેરાન કરતા હતા.વેપારી પિયુષ મહેતાએ પોતાના વિરુઘ્ધ થયેલી અરજી અંગે આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી હતી પરંતુ, તેમને માહિતી આપવામાં આવી ન હતી.
એટલું જ નહીં પરંતુ વેપારીને મદદ કરવાને બદલે પોલીસ દ્વારા તેને અવારનવાર પોલીસ માતા કે બોલાવી એમનેમ બેસાડી રાખતા હતા. જ્યારે પોલીસને પોતાના વિરુદ્ધ કેમ કાર્યવાહી કરો છો તેવું પૂછતા પોલીસ તેને કોઈ જવાબ આપતી ન હતી.પોલીસ ફસાયેલા નાણા પરત આપવાના બદલે હેરાન કરતી હતી. નિવેદનમાં વેપારીને 60 લાખ જીએસટીના નહીં ચૂકવવા માટે જ સામાવાળા એડમીરલ એન્ટરપ્રાઈઝના માલિક મિતેષ શિંગાળા તેના પિતા સવજીભાઈ શિંગાળા અને મનીષાબેન શિંગાળા દ્વારા પોલીસને હવાલો આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ પર દબાણ લાવવા ફિનાઇલ પીધું: એસીપી દિહોરા
ગત સાંજે વેપારીએ પોલીસ કમિશનર કચેરીએ ફિનાઇલ ગટગટાવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેણે એસીપી દિહોરા સહિત અન્ય પોલીસમેન પર હવાલો લીધાના આક્ષેપ કર્યા હતા. પરંતુ ’ અબતક’ સાથેની ટેલીફોનીક વાતચીતમાં એસીપી પી.કે.દિહોરાએ જણાવ્યું હતું કે વેપારી પિયુષ મહેતા અને સામેની પાર્ટી એડમિરલ એન્ટરપ્રાઇઝ વચ્ચે ઘણા સમયથી હિસાબને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં સવજીભાઈ શિંગાળાએ પોલીસમાં પિયુષ મહેતા વિરૂદ્ધ એટ્રોસીટી અંગે ગુનો દાખલ કરવા અરજી કરી હતી. પરંતુ હિસાબના વ્યવહારમાં વિવાદ હોવાથી બંને પાર્ટીઓને સામસામે બેસાડી નિવેદન લેવા માટે બંને પક્ષને બોલાવ્યા હતા.તે દરમિયાન સવજી શિંગાળા હાજર ન રહેતા પિયુષ મહેતાને આખો દિવસ પોલીસ મથકે બેસાડી રાખ્યો હતો. પરંતુ વેપારી વિરૂદ્ધ ગુનો દાખલ થશે તેવું જણાતા પોલીસ પર દબાણ લાવવા માટે વેપારીએ પોલીસ કમિશનર કચેરી પાસે ફિનાઇલ પી આત્મવિલોપનનું નાટક કર્યું હોવાનું એસીપી પી.કે. દિહોરાએ જણાવ્યું હતું.