‘માતોશ્રી’ માંથી શિવસેના સંપૂર્ણપણે નિકળી જાય તે પૂર્વ ઉઘ્ધવ ઠાકરે પોતાનો અહંમ છોડી ભાજપ સાથે ફરી દોસ્તીનો હાથ લંબાવે તે અતિ આવશ્યક
મહારાષ્ટ્રમાં ઉઘ્ઘ્વ ઠાકરેની મુસીબત ઓછી થવાનું નામ લેતી નથી. થાણે નગર નિગમના મોટાભાગના નગર સેવકોએ શિંદે જુથમાં પ્રવેશ કરી લીધો છે. સ્થાપના કાળથી શિવસેનાનું એપી સેન્ટર રહ્યું ‘માતોશ્રી ’ ની તાકાત હવે ઘટી રહી છે. સરકારથી તો હાથ ધોઇ બેઠેલા ઉઘ્ધવ માટે હવે રહી રહી સેનાને બચાવવા કૃષ્ણ અર્થાત ભાજપના શરણે જવા સિવાય કોઇ છુટકો બચ્યો નથી. જે ગતિથી સેના તુટી રહી છે તે જોતા વધુ લાગી રહ્યું છે. કે, જો ઉઘ્ધવ અહંમ નહીં છોડે તો શિવસેનાના સર્વે સર્વા એકનાથ શિંદે બની જશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
માત્ર સત્તાની લાલચમાં ઉઘ્ધવ ઠાકરેએ ભાજપ સાથેની વર્ષો જુની દોસ્તી છોડી દીધી અને તદ્દન વિપરીત વિચારધારા ધરાવતા એનસીપી અને કોંગ્રેસ સાથે હાથ મીલાવ્યા 31 મહિના સુધી મહાવિકાસ અઘાડી સરકાર બરાબર ચાલી પરંતુ અંદરથી દુભાતા એવા એકનાથ શિંદે સહિતના 40 સાચા શિવસૈનિકોએ અંતે ઉઘ્ધવ સામે બાંયો ચડાવી પરિણામે એમપીએ સરકારનું પતન થઇ ગયું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ભાજપે શિવસેનાના એકનાથ શિંદેની વરણી કરી પોતે સારથી અર્થાત કૃષ્ણની ભૂમિકામાં આવી ગયું. રાષ્ટ્રપતિની ચુંટણીમાં પણ શિંદે જુથે ભાજપના ઉમેદવાર દ્રોપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી શિવસેનાના સાંસદો પણ હવે શિંદે જુથ તરફ પ્રયાણ કરી રહ્યા છે.
એકનાથ શિંદે ચૂસ્તપણે બાલાસાહેબ ઠાકરેની વિચારધારાને વળગેલા છે જો ઉઘ્ઘ્વ ઠાકરે ભાજપ સાથે હાથ મિલાવે તો હજી તેઓને કોઇ જ પ્રકારનો વાંધો નથી જે શિવસેનાની વિચારધારાને વળયેલા છે તેઓ તમામ હવે શિંદે જુથમાં સામેલ થવા થનગની રહ્યા છે. હવે સેનાનું મથક ‘માતોશ્રી’ થી ધીમી પણ મકકમ ગતિએ ફરી રહ્યું છે ઉઘ્ધવ પાસે પાસે હવે ભાજપના શરણમાં જવા સિવાય કોઇ જ વિકલ્પ બચ્યો નથી. સરકાર તો હાથમાંથી નીકળી જ ગઇ છે. ધીમે ધીમે પક્ષ પણ સરકી રહ્યો છે. હજી સમય છે પોતાનું અહંમ છોડી ઉઘ્ધવે ભાજપ સાથે દોસ્તી કરવા માટે સામેથી હાથ લંબાવવો જોઇએ. માત્ર 40 ધારાસભ્યો હોવા છતાં ભાજપે એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદે આપી એક વાત પ્રસ્થાપિત કરી દીધી છે કે તેઓ શિવસેના સાથે સમાધાન કરવા રાજી છે. અને તમામ દરવાજા ખુલ્લા રાખ્યા છે.
કોઇપણ રાજકીય પક્ષ તેની મુળભૂત વિચારધારોને છોડી સત્તાની લાલચમાં વિપરીત વિચારધારા ધરાવતી પાર્ટી સાથે બેસે તો તેને મોટી કિંમત ચુકવવી પડે છે. શિવસેના તેનું જીવંત ઉદાહરણ છે. ઉઘ્ધવે હવે પોતાની રાજકીય કારકીદી અને બાલાસાહેબના વર્ચસ્વને ટકાવી રાખવા માટે જેટલું જલ્દી ભાજપનું પાલવ પકડી લ્યે તે જરુરી છે.