10 દિવસમાં આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત 180 એમસીએફટી પાણી ઠાલવાશે
એક તરફ મેઘરાજા રાજકોટ પર હેત વરસાવી રહ્યા છે તો બીજી તરફ ભર ચોમાસે જીવાદોરી સમાન આજી ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવશે. અપૂરતા વરસાદના કારણે જો આજીમાં સંતોષકારક પાણીની આવક ન થાય આવા સંજોગોમાં શહેરીજનોએ પીવાના પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં 180 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી.
બે દિવસ પૂર્વે ધોળીધજાએથી છોડવામાં આવેલું નર્મદાનું પાણી આજે બપોરે ત્રંબા પમ્પીંગ સ્ટેશન પહોંચી ગયું છે. જ્યાંથી નદીના કુદરતી વહેણમાં પાણી છોડી દેવામાં આવ્યું છે. આવતીકાલે સવારે ફરી એક વખત નર્મદાનું અવતરણ થશે. આ અંગે સૌની યોજનાના અને કોર્પોરેશનની વોટર વર્ક્સ શાખાના ઇજનેરી સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ બે દિવસ પૂર્વે ધોળીધજાએથી છોડવામાં આવેલા નર્મદાના નીર મચ્છુ-1 ડેમ થઇ આજે બપોરે ત્રંબા પમ્પીંગ સ્ટેશન ખાતે પહોંચી ગયા છે.
જ્યાંથી નદીના કુદરતી વહેણમાં આ પાણી છોડી દેવામાં આવ્યા છે. કાળીપાટ સહિતના ત્રણ ચેકડેમ ભરાયા બાદ અંદાજે 16 થી 18 કલાકમાં આ પાણી આજી ડેમમાં પહોંચશે. હાલ ડેમની સપાટી 15.50 ફૂટ અને ડેમમાં 242 એમસીએફટી પાણી સંગ્રહિત છે. ઓગસ્ટ માસના પ્રથમ પખવાડીયા સુધી રાજકોટને પીવાના પાણીની કોઇ સમસ્યા ભોગવવી નહીં પડે.