આગામી શનિવાર સુધી ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: સુત્રાપાડામાં 10 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસી જતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ
એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ગત મધરાતથી ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે. સુત્રાપાડા તાલુકામાં 10 કલાકમાં સુપડાધારે 12 ઇંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય પામી હતી. કોડીનારમાં પણ અનારાધાર 9 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આવતીકાલ અને શુક્રવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
લો-પ્રેશર ઉપરાંત ઓફશોર ટ્રફ અને મોનસૂન નોર્મલથી દક્ષિણ દિશા તરફ હોવાના કારણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 219 તાલુકાઓ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગત મધરાતથી ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાના મંડાણ થયા છે. આજે સવારે 6 વાગ્યા સુધીમાં સુત્રાપાડામાં સાત ઇંચ જેટલો અને કોડીનારમાં 6॥ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. દરમિયાન સવારે 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં સુત્રાપાડામાં સુપડાધારે ચાર ઇંચ અને વેરાવળમાં ત્રણ તથા કોડીનારમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. નદીઓ ઘોડાપુર આવતા અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા. જળાશયોમાં પણ માતબર પાણીની આવક થવા પામી છે.
છેલ્લા 10 કલાકમાં સુત્રાપાડા તાલુકામાં 12 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જ્યારે કોડીનારમાં 9 ઇંચ પાણી પડી ગયું છે. વેરાવળમાં પણ પાંચ ઇંચ વરસાદ વરસી ગયો છે. જો કે, 8 વાગ્યા બાદ મેઘરાજાનું જોર થોડું ઘટ્યું હતું. જો કે શનિવાર સુધી હજી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ 5-5 ઇંચ સુધી વરસાદ પડી ગયો છે. આજે બપોર બાદ મેઘાનું જોર વધશે. ગુરૂવાર અને શુક્રવારે અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.