સુરેન્દ્રનગર ખાતે 5 હેક્ટર જેટલા વિસ્તારમાં 10 કરોડનાં ખર્ચે વટેશ્વર વન નિર્માણ પામશે
વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાનાં અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે રાજ્યનાં 22માં અને જિલ્લાનાં બીજા સાંસ્કૃતિક વનનો ખાતમૂહુર્ત સમારોહ યોજાયો હતો. કેનાલસાઈડ દૂધરેજ ખાતે 5 હેક્ટર જેટલા વિસ્તારમાં રૂ. 8 થી 10 કરોડનાં ખર્ચે જિલ્લાનાં આ બીજા સાંસ્કૃતિક વન વટેશ્વર વનનું નિર્માણ કરવામાં આવશે. ખાતમૂહુર્ત સમારોહ ખાતે બોલતા કેબિનેટમંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે દૂરંદેશીભર્યો નિર્ણય લઈ ગુજરાતનાં દરેક જિલ્લામાં સાંસ્કૃતિક વનોનાં નિર્માણની શરૂઆત કરાવી હતી. સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરાવીને તેમજ વનમહોત્સવની ઉજવણી દર વર્ષે ગાંધીનગરનાં બદલે રાજ્યનાં અલગ-અલગ જિલ્લામાં કરીને દરેક જિલ્લાને રાજ્યમાં ગ્રીન કવર વધારવાનાં અભિયાનમાં સામેલ કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આ સાંસ્કૃતિક વનોનાં નિર્માણનો હેતુ શહેર-જિલ્લાનાં લોકોને હરવા-ફરવાનું એક સ્થળ મળી રહે તે ઉપરાંત ઔષધીય સહિત વિવિધ પ્રકારની ઉપયોગિતા ધરાવતા વૃક્ષોનું સંવર્ધન અને તેમની ઉપયોગિતા વિશે મહત્તમ લોકોને જાણકારી મળે અને તે અંગે લોકોમાં જાગરૂકતા વધારવાનો છે.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, નર્મદા યોજનાનાં કારણે સુરેન્દ્રનગર જિલ્લાને પીવાનાં અને સિંચાઈનાં પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ છે અને જિલ્લો સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે.