વિકાસ કામોનું લોકાર્પણ -ખાતમૂહૂર્ત, વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આવતીકાલ 5 જૂલાઈથી19 જુલાઈ સુધી સમગ્ર રાજયમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે જેમાં પ્રભાત ફેરી, યોગાભ્યાસ, વૃક્ષારોપણ, આયુષ્યમાન ભારત, વિવિધ વિકાસાત્મક કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવશે. અને કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને સહાય વિતરણ કરવા સહિતના કાર્યક્રમો યોજાશે.
રાજ્યભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા. 5 મી જુલાઈ 19 મી જુલાઈ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમ હેઠળ રાજકોટ જિલ્લાને કુલ 3 રથની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 2 રથ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને 1 રથ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ વિંછીયા અને ઉપલેટા તાલુકાથી કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની રાહબરીમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાએથી સાંજના 5 વાગ્યે વંદે ગુજરાત વિકાસ યાત્રા ના પ્રથમ રથનું પ્રસ્થાન ઉપલેટા નગરપાલિકા અને બીજા રથનું પ્રસ્થાન વીંછીયા તાલુકાના ભડલી ગામથી કરવામાં આવશે. આમ તા.19 જુલાઈ સુધી જિલ્લાના વિવિધ તાલુકાના ગામોમાં અનેકવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજાશે.
વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત પ્રભાતફેરી, યોગાભ્યાસ, વૃક્ષારોપણ આયુષ્યમાન ભારત પી.એમ.જે. એ.વાય. અંતર્ગત કાર્ડ વિતરણ કેમ્પ, નિરામય ગુજરાત આરોગ્ય કેમ્પ યોજાશે. આ સાથે વિવિધ વિકાસાત્મક કાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.
વંદે ગુજરાત વિકાસ યાત્રામાં સરકારના નેજા હેઠળ ચાલી રહેલા વિવિધ વિભાગો દ્વારા અનેક કલ્યાણકારી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે અને લોકોને વિવિધ યોજનાઓના લાભો એનાયત કરવામાં આવશે. ત્યારે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા યાત્રાના રૂટ પર આવતા ગામોમાં વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવશે અને ગામોમાં વિનામૂલ્યે રોપા વિતરણની કામગીરી કરવામાં આવશે. આ સિવાય સામજિક જાગૃતતા કેળવવાના હેતુથી વૃક્ષોના જતન અને પર્યાવરણની જાળવણી, વન્ય પ્રાણીઓના સંરક્ષણની પ્રવૃત્તિ તેમજ સેમીનારનું આયોજન કરવામાં આવશે