મુખ્ય યાર્ડમાં સુવિધા વધી રહી છે પણ સાંકળો અને વળાંકવાળો રસ્તો જોખમી: શાકભાજી-ફ્રૂટ્સ યાર્ડ હજુ વિકાસ ઝંખે છે
ગોંડલનું માર્કેટીંગ યાર્ડ સૌરાષ્ટ્રમાં સૌથી મોટું, આધુનિક અને ટર્નઓવરમાં પણ અગ્રિમ છે. એ પછી રાજકોટ સહિતના યાર્ડનો ક્રમ આવે છે. જૂનાગઢનું સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડ બે વિભાગમાં વેચાયેલું છે. ધીમેધીમે જૂનાગઢ યાર્ડમાં સુવિધા વધી રહી છે પણ જો યાર્ડનું શિફ્ટીંગ થાય અથવા કેટલીક સુવિધાનો અહિં વધારો કરવામાં આવે તો આ યાર્ડ પણ ધમધમી ઉઠે એમ છે.
‘અબતકે’ તાજેતરમાં લીધેલી જૂનાગઢ યાર્ડની મુલાકાત દરમિયાન કેટલીક હકિકતો ધ્યાને આવી જે આવતા દિવસો માટે યાર્ડ માટે મહત્વની બની રહે એમ છે. દોલતપરા વિસ્તારમાં આવેલું જૂનાગઢનું માર્કેટ યાર્ડ ફ્રૂટ્સ, શાકભાજી, ધાણા, સોયાબીન સહિતની જણસી માટે જાણીતું છે. જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ, જામનગર વગેરે જિલ્લાના ખેડૂતો અહિં પોતાનું ઉત્પાદન લઇને આવતા હોય છે. મુખ્ય યાર્ડનો વિસ્તાર ઘણો મોટો છે. સુવિધા પણ સારી છે અને વધુ વિકાસ થઇ રહ્યો છે પણ ફ્રૂટ્સ યાર્ડમાં હજુ ઘણું કરવાનું બાકી છે. જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લો કેરી અને ફળફળાદી માટે જાણીતા છે ત્યારે ફ્રૂટ્સ યાર્ડને પણ વધુ ડેવલપ કરવું જરૂરી છે. બીજી બાજુ મુખ્ય યાર્ડ સુધી પહોંચવાનો રસ્તો ઘણો જ સાંકળો અને વળાંકવાળો છે. યાર્ડમાં સતત ટ્રક સહિતના મોટા વાહનો આવનજાવન કરતા હોવાથી આ રસ્તો જોખમી સાબિત થઇ શકે છે એટલે એનું નિવારણ વહેલી તકે કરવું જરૂરી છે. રાજકોટ માર્કેટ યાર્ડ અગાઉ જેમ આરટીઓ પાસે સ્થિત હતું પણ સમય પ્રમાણે સ્થળાંતર કરવું પડ્યું. આજે બેડી પાસે સુવિધાસભર યાર્ડ ધમધમી રહ્યું છે એમ હવે જૂનાગઢ યાર્ડને પણ સ્થળાંતરીત કરવું પડે એવી સ્થિતિ સર્જાઇ છે.
જૂનાગઢ યાર્ડમાં ખેડૂતોનું એક કિલો અનાજ પણ નહિં પલળે: દિવ્યેશભાઇ ગજેરા
જૂનાગઢ યાર્ડના સેક્રેટરી દિવ્યેશભાઇ ગજેરાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું કે મગફળી, તુવેર, સોયાબીન, તલ, ધાણા, કઠોળ, કેરી, ખારેક, કેળા, ચીકુ, જામફળ અને સીતાફળની આવક આ યાર્ડમાં ખૂબ સારી હોય છે. તેમણે યાર્ડના વિકાસ અંગે પણ વાતો કરી અને જણાવ્યું કે ગમે એવો વરસાદ આવશે તો પણ ખેડૂતોનું એક કિલો અનાજ નહિં પલળે એવી વ્યવસ્થા અમે કરી છે. તેમણે કહ્યું કે મુખ્ય યાર્ડમાં 250 દુકાનો છે. પાંચથી વધુ મોટા શેડમાં તમામ જણસી સલામત રીતે સચવાઇ જાય તેવી વ્યવસ્થા છે. ગમે તેટલો વરસાદ થાય તો પણ ખેડૂતનું એક કિલો અનાજ ન પલળે એ પ્રકારના શેડ અહિં તૈયાર કરવામાં આવ્યા છે. અહિં એક શેડમાં 15 થી 20 હજાર ગુણી સમાય જાય એટલી વ્યવસ્થા રાખવામાં આવી છે. બાજુના શાકભાજી-ફ્રૂટ્સ યાર્ડમાં 53 દુકાનો અને 80 નાના સ્ટોર આવેલા છે. આ યાર્ડમાં જગ્યા થોડી ઓછી છે પણ આવતા દિવસોમાં અમે તેને વધુ સુવિધાસભર બનાવશું. કેરી, ખારેક વગેરેની આ યાર્ડમાં ખૂબ આવક હોય છે. હાલ કચ્છની કેસર પણ ઘણી આવે છે એવું તેમણે જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે મુખ્ય યાર્ડને હજુ અમે એક્સપાન્ડ કરી રહ્યા છીએ. નવી ઓફિસ બિલ્ડીંગ તૈયાર થશે. ગેસ્ટ હાઉસ બનશે જ્યાં ખેડૂતો રોકાઇ શકશે અને ભોજન માટે એક સરસ કેન્ટીનની વ્યવસ્થા પણ રાખવામાં આવશે. એમએસસી એગ્રીનો અભ્યાસ કરેલા દિવ્યેશભાઇએ કહ્યું કે વડાપ્રધાન અને ગુજરાતના રાજ્યપાલ ઓર્ગેનિક ખેતી માટે જહેમત ચલાવી રહ્યા છે. જેની હાંકલ સાંભળીને અમે યાર્ડમાં આ વિષય પર ખેડૂતોની શિબિર યોજી હતી અને આગામી દિવસોમાં પણ વધુ શિબિરો યોજવાનું આયોજન કરી રહ્યા છીએ.