800થી વધુ યુનિટ ધરાવતું સિરામિક ક્લસ્ટર વિશ્ર્વમાં બીજા નંબરે: જો તમામ યુનિટો નેટવર્થ ઉપર ધ્યાન દેશે તો વિશ્ર્વમાં નંબર 1નો ખિતાબ મેળવવાનો માર્ગ સરળ બની જશે
મોરબીનો સિરામિક ઉદ્યોગ આપબળે રાજ્ય અને દેશના સીમાડા વટાવીને વિશ્વ કક્ષાએ ડંકો વગાડી રહ્યો છે.પણ વાત હવે એનાથી પણ આગળ વધવાની આવે તો સિરામિક યુનિટોએ નેટવર્થ વધારવા ઉપર પૂરતું ધ્યાન દેવાની જરૂર છે. જો આ શક્ય બનશે તો વિશ્વમાં નંબર વન બનવાનો માર્ગ ખૂબ સરળ બની જશે.
ભારતમાં કાર્યરત સિરામિક ઉદ્યોગ પૈકી 90 ટકાથી વધુ મોરબીમાં જ છે. માટે ભારતનો સીરામીક ઉદ્યોગ એટલે મોરબીનો જ સિરામિક ઉદ્યોગ કહેવામાં ખોટું નથી. મોરબીમાં અંદાજે 800થી વધુ સિરામિક ઉદ્યોગ છે. જે લાખો લોકોને રોજગારી પુરી પાડવા ઉપરાંત નિકાસમાં પણ મહત્વનો હિસ્સો ધરાવે છે. ગુજરાતના અર્થતંત્રમાં મોરબીના સિરામિક ઉદ્યોગનો હિસ્સો પણ સૌથી વધુ છે. આ સિરામિક ઉદ્યોગો અત્યારે પુરજોશમાં જ ચાલી રહ્યા છે. સિરામિક ઉદ્યોગકારોની મહેનતને પગલે આ ઉદ્યોગ વિશ્વભરમાં છવાયો છે. હાલ ચાઇના વિશ્વમાં સિરામિક ક્ષેત્રે નંબર વનના સ્થાને છે. બીજા સ્થાને ભારત છે. ચાઇના નંબર વનના સ્થાને છે એની પાછળ કારણભૂત ત્યાંની સરકારનો સહયોગ છે.જો કે મોરબીના ઉદ્યોગકારો નંબર વનના સ્થાને પહોંચવા માટે તમામ બનતા પ્રયાસો કરી રહ્યા છે. હવે આ મુકામ હાંસલ કરવા માટે જો ઉદ્યોગો નેટવર્થ વધારવા ઉપર જોર દયે તો ઘણી સરળતા રહે તેમ છે. જો કે જાયન્ટ ઉદ્યોગો આ વાત બરાબર સમજતા હોય તેઓએ આ દિશામાં પ્રયત્નો હાથ ધરી દીધા છે.
ક્વોલિટી બાબતે સમગ્ર વિશ્ર્વમાં મોરબી સિરામિક નંબર 1
મોરબીની પ્રોડક્ટ ગુણવત્તાસભર છે. જે વિશ્વમાં સિરામિક ઉદ્યોગમાં ચીન પછી બીજા ક્રમે છે. વિશ્વમાં હાલ એન્ટી ચાઇનાનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે મોરબી નિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ચાઇનાના ઓપ્શન તરીકે મોરબી ઉભરી આવ્યું છે. અને ક્વોલિટી તથા ભાવમાં સમગ્ર વિશ્વનો ભરોસો મોરબીએ જીત્યો છે. તેથી જ આટલા મોટા પ્રમાણમાં વિદેશોમાં મોરબીનું સિરામિક ઉત્પાદન ખરીદવામાં આવે છે.
યુએસના કાર્લાઇલ ગ્રુપે વરમોરા ગ્રેનિટોમાં કર્યું 750 કરોડનું રોકાણ
યુએસના કાર્લાઈલ ગ્રૂપે મંગળવારે અમદાવાદ સ્થિત વરમોરા ગ્રેનિટો સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. જેમાં કાર્લાઈલ ગૃપ વરમોરા ગ્રેનિટોમાં 780 કરોડ જેટલુ રોકાણ કરવાનું છે. 1994 માં સ્થપાયેલ, વરમોરા એ ભારતમાં અગ્રણી અને સૌથી ઝડપથી વિકસતી ટાઇલ અને બાથવેર બ્રાન્ડ પૈકીની એક છે.વરમોરાનો હેતુ બ્રાન્ડ બિલ્ડિંગ અને ડિજિટલ માર્કેટિંગમાં તેના રોકાણમાં વધારો કરવા, તેના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને વધુ ગાઢ બનાવવા અને પ્રોડક્ટ ઇનોવેશન અને કાર્યક્ષમતા વધારવા માટે કાર્લાઇલ સાથેની ભાગીદારીની મજબૂતાઈનો લાભ લેવાનો છે, વરમોરા સાથે ભાગીદારી કરવા માટે અમે ઉત્સાહિત છીએ. તેમ જણાવતા કાર્લાઈલ ઈન્ડિયા એડવાઈઝર્સના મેનેજિંગ ડિરેક્ટર અને કો-હેડ અમિત જૈને જણાવ્યું હતું કે, અમે વરમોરાને ઝડપથી વિકસતા બિલ્ડિંગ મટિરિયલ સેક્ટરમાં કોન્સોલિડેશન માટેના પ્લેટફોર્મ તરીકે પણ જોઈએ છીએ. વરમોરાના વ્યાપક ઉત્પાદન પોર્ટફોલિયોમાં પ્રીમિયમ ટાઇલ્સ, ફોસેટ્સ અને સેનિટરીવેરનો સમાવેશ થાય છે અને તેના ઉત્પાદનોનું વેચાણ રાષ્ટ્રીય વિતરણ નેટવર્ક દ્વારા કરવામાં આવે છે જેમાં ભારતમાં અને વૈશ્વિક સ્તરે 200થી વધુ વિશિષ્ટ બ્રાન્ડ આઉટલેટ્સનો સમાવેશ થાય છે.