- રાજકોટમાં પત્નીની નજર સામે પતિએ પ્રેમીને છરીના ઘા ઝીંકી વેતરી નાખ્યો
- ત્રણ વર્ષથી ચાલતા અનૈતિક સંબંધનો કરૂણ અંજામ: મિત્રએ જ મિત્રની કરી હત્યા
શહેરના 150 ફુટ રીંગ રોડ પર નાણાવટી ચોકમાં મિત્રની પત્ની સાથે આડા સંબંધ ધરાવતા મિત્રને પત્ની સાથે પ્રેમાલાપ કરતા પતિ જોઇ જતા છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. શહેરમાં વધુ એક હત્યાની ઘટનાથી પોલીસમાં દોડધામ મચી ગઇ છે. હત્યા કરી ફરાર શખ્સને ઝડપી લેવા પોલીસે વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાણાવટી ચોક પાસે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા અને મંડપ સર્વિસમાં મજુરી કામ કરતા અખ્તર હુસેન પાયક તેની પરિણીત પ્રેમીકા નેન્સી સાથે ઘર નજીક પ્રેમાલાપ કરી રહ્યો હતો ત્યારે નેન્સીના પતિ હુસેન ઇબ્રાહીમ દલવાણી નામના શખ્સે છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાની રસીદાબેન કરીણભાઇ જેઠવાએ યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રેસકોર્ષમાં ચકરડીનો વ્વયસાય કરતા હુસેન ઇબ્રાહીમ દલવાણીએ પાંચ-છ વર્ષ પહેલાં ગોવા ફરવા ગયો ત્યારે ત્યાની નેન્સી સાથે પ્રેમ સંબંધ બંધાતા તેણી સાથે પ્રેમ લગ્ન કરી રાજકોટ લાવ્યો હતો. લગ્ન જીવન દરમિયાન ચારેક વર્ષ પહેલાં સંતાનને જન્મ આપ્યો હતો.
હુસેન ઇબ્રાહીમ અને અખ્તર હુસેન પાડોશમાં રહેતા હોવાથી બંને વચ્ચે મિત્રતા બંધાતા એક બીજાના ઘરે આવવા જવાના સંબંધો હોવાથી ત્રણેક વર્ષ પહેલાં નેન્સી પોતાના પાડોશમાં રહેતા પતિ હુસેન દલવાણીના મિત્ર અખ્તર હુસેન પાયકના પરિચયમાં આવતા બંને વચ્ચે આડા સંબંધ બંધાયા હતા.
પોતાની પત્ની નેન્સી અને મિત્ર અખ્તર પાયક વચ્ચે આડા સંબંધો હોવાની હુસેન દલવાણીને શંકા ઘણા સમયથી હોવાથી બંને વચ્ચે ઝધડા થતા હતા. દરમિયાન ગઇકાલે નેન્સી અને અખ્તર પાયકને સાથે જોઇ જતા હુસેન દલવાણી ઉશ્કેરાયો હતો અને એક સમયના પોતાના મિત્ર અખ્તર પાયકને છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
અખ્તર પાયકની હત્યા થયાની પોલીસમાં જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. વાય.બી.જાડેજા, પી.આઇ. જે.વી.ધોળા, યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. એ.બી.જાડેજા, પી.એસ.આઇ. એ.બી.જાડેજા અને રાઇટર ગીરીરાજસિંહ સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતક અખ્તર પાયકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયો છે.
પોલીસે રસીદાબેન જેઠવાની ફરિયાદ પરથી નાણાવટી ચોક આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા હુસેન ઇબ્રાહીમ દલવાણી સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.