અણીયારીના ગ્રામજનોએ એકતા સાધી પાણી વિતરણની સાથોસાથ ભુગર્ભ ગટરવ્યવસ્થા, શૌચાલયની સુવિધાઓ વિકસાવી
કૃષિને મુખ્ય વ્યવસાય તરીકે અપનાવીને આર્થિક ઉપાર્જન મેળવવાની સાથોસાથ વિકાસના શિખરને સર કરવા મક્ક્મતા સાથે ડગ માંડતા રાજકોટ જિલ્લાના અણીયારી ગામના નાગરિકોએ ’સૌનો સાથ સૌનો વિકાસ’ સૂત્ર પાછળ છુપાયેલા મર્મને સાર્થક બનાવ્યો છે.
1820ની વસ્તી ધરાવતુ અણીયારી ગામ એકતાનું પ્રતિક બની વિકાસનાં પંથે અગ્રેસર ચાલી રહયું છે. શુદ્ધ અને નિયમિત જળ, તમામ ઘરોમાં શૌચાલય, સુચારૂ ભુગર્ભ ગટરવ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓની પૂર્તિ વગેરે જેવી સવલતો રાજયસરકારના પાણી પુરવઠા વિભાગના વાસ્મો ( વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા કુલ રૂ. 15,86,610 ના ખર્ચે ગ્રામવાસીઓને આપવામાં આવી છે. જેની સાથોસાથ ગ્રામજનોએ પણ 100 ટકા વેરો આપી જળનો દુરુપયોગ ન કરવાના સંકલ્પ લીધા છે.સરકાર ની પાણીને લગતી યોજનાઓએ બહેનોની સૌથી મોટી ચિંતા દુર કરી છે. બહેનો માથે બેડા લઇ ચોકમાં આવેલા નળમાંથી પાણી ભરવા જતી હોય તેવા દ્રશ્યો હવે સરકારની નલ સે જલ અભિયાનની કામગીરીને લીધેસ્વરૂપ ભૂતકાળ બન્યા છે.
ગુજરાતના તમામ નાગરિકોની પાણીની જરૂરિયાત પુરી કરવાના આશયથી સરકાર પ્રતિબદ્ધતાપુર્વક આયોજન ઘરી રહી છે. જેનાં ભાગરૂપે અણીયારી ગામમાં સૌપ્રથમ ગ્રામ જૂથ યોજના થકી પાણીની સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ હેઠળ વધુ કુવા બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વાસ્મો દ્વારા અપાયેલા સૂચનોથી ગ્રામ પેયજળ યોજના અમલી બનાવવામાં આવી, જેના પરિણામ સ્વરૂપ ગ્રામ્ય પાણી સમિતી દ્વારા તમામ ઘરોને નળ કનેકશન આપી ઘર આંગણે પાણી પુરૂ પાડવામાં આવે છે.ગ્રામજનો દર મહિને આશરે રૂ. 330 પાણી માટે ફાળવી તેને લગતા તમામ ખર્ચ, જેવા કે પંપ ઓપરેટરોનો માસિક પગાર, રીપેરીંગ, સાફ- સફાઈ વગેરેનો નિભાવ કરે છે.