ઉઘડતી બજારે રૂપીયામાં 24 પૈસાનો તોતીંગ કડાકો: શેરબજારમાં પણ મંદીની મોકાણ
અમેરિકી ડોલર સામે છેલ્લા ઘણા દિવસથી સતત તુટતો ભારતીય રૂપીયો આજે ઉઘડતી બજારે 76.66ની રેકોર્ડ બ્રેક નીચલી સપાટીએ પહોચી જતા શેર બજારમાં મંદીની મોકાણ સર્જાઈ હતી. રૂપીયો નબળો પડવાના કારણે આગામી દિવસોમાં મોંઘવારી વધુ કાળઝાળ બને તેવી દહેશત ઉભી થવા પામી છે.
સોમવારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો 76.42ની સપાટીએ પહોચી ગયો હતો. દરમિયાન આજે ઉઘડતી બજારે રૂપીયાના 24 પૈસાનો તોતીંગ ઘટાડો નોંધાયો હતો. આજે રૂપીયો 78.66ની રેકોર્ડ બ્રેક નીચલી સપાટીએ પહોચી ગયો હતો. રૂપીયાનું ધોવાણ હજી ચાલુ જ રહેશે તેવું જાણકારો માની રહ્યા છે.
રૂપીયો સતત નીચલી સપાટીના રેકોર્ડ બનાવી રહ્યો હોવાના કારણે શેર બજારમાં પણ મંદીની મોકાણ સર્જાય રહી છે. આજે ઉઘડતી બજારે સેન્સેકસે 53 હજારની સપાટી તોડી હતી અને નિફટીમાં પણ 100 પોઈન્ટથી વધુનો કડાકો બોલી ગયો હતો. બેંક નિફટી અને નિફટી મીડ કેપ ઈન્ડેકસમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ લખાય રહ્યું છે ત્યો સેન્સેકસ 309 પોઈન્ટના ઘટાડા સાથે 52852 અને નિફટી 91 પોઈન્ટના ઘટાડા સાથે 15741 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે.જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો 29 પૈસાની નરમાશ સાથે 79.63 પર ટ્રેડ કરી રહ્યો છે.
આજે શેરબજાર અને રૂપિયામાં મંદીનું વાવાઝોડું ફુંકાયું હતુ બીજી તરફ બુલીયન બજારમાં તેજી જોવા મળી હતી. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે મંદીમાં પણ શ્રીદેશ ફાર્મા, એમ એન્ડ એમ, પેટ્રોનેટ એલએનજી, ટીવીએસ મોટર, રિલાયન્સ જેવી કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો જયારે બંધન બેન્ડ, આઇઇએકસ, ચંબલ ફર્ટીલાઇઝર, અને એશિયન પેઇન્ટસ ટાઇટન કંપની અને એકિસસ બેન્કના શેરોમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો સતત બજારમાં પ્રવર્તી રહેલી મંદીથી રોકાણકારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.