- રાજકોટમાં 45 મિનિટમાં એક ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, 40થી વધુ વૃક્ષો ધરાશાયી, પેલેસ રોડ પર હોર્ડિંગ્સ ધરાશાયી, હનુમાન મઢી ચોક પાસે એક બિલ્ડીંગ પર વિજળી પડતાં દોડધામ મચી ગઇ: અડધા રાજકોટમાં બે કલાક સુધી વિજળી ગુલ
- રાજ્યના થન્ડરસ્ટ્રોર્મની અસરને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી લઇ ભારે વરસાદની વકી
જામજોધપુર, લાલપુર, ખંભાળીયા અને પડધરી તેમજ અમરેલીમાં અડધાથી લઇ એક ઇંચ જેટલો વરસાદ: ધોરાજીના મોટી પાનેલીમાં
ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 138 તાલુકામાં વરસાદ પડ્યો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 18 તાલુકામાં 18 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં અઢી ઈંચ અને પંચમહાલના જાંબુઘોડામાં બે ઈંચ વરસાદ પડ્યો છે. આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે. જ્યારે પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ સહિતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
પોણો ઇંચ જ્યારે ગોંડલમાં જોરદાર ઝાપટા પડ્યા
રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે અસહ્ય ઉકળાટ બાદ ગોંડલ, પડધરી, ધોરાજી તેમજ જામનગરના જામજોધપુર અને લાલપુર તેમજ ખંભાળીયામાં અડધાથી લઇ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. રવિવારે બપોર બાદ વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટ, જામનગર અને ભાણવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. લાલપુરના નાંદુરી ગામે વાડી-વિસ્તારમાં વીજળી પડતા બે ભેંસના મૃત્યુ નિપજ્યા હતા. ધોરાજી પાસે મોટી પાનેલીમાં ભારે પવન સાથે પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. ખેતરોમાં જાણે કાચું સોનું વરસ્યું હતું. ગોંડલમાં ભારે પવન અને ધોધમાર વરસાદ વચ્ચે વૃક્ષો ધરાશાયી બન્યા હતા.
રાજકોટમાં રવિવારે દિવસભર તડકો અને અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ સાંજે 4 કલાકે વાતાવરણ બદલાયું હતું. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જોતજોતામાં 45 મિનિટમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. એક ઇંચ વરસાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 2 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. આ સિવાય ભારે પવનના કારણે 40થી વધુ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા અને શિવધારા સોસાયટીમાં સોલાર પેનલ પણ ઉડી ગઇ હતી. આજેપણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઇ ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યના હવામાન વિભાગે વેબસાઈટ પર રજૂ કરેલા આગાહી પ્રમાણે આજે થતા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આજે નવસારી, વલસાડ, ડાંગ અને સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ તથા દીવમાં ભારે વરસાદ થવાની આગાહી છે. તારીખ 27 અને 28 દરમિયાન પણ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે પછી 29 તારીખે ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ થવાની આગાહી છે. ભારે વરસાદ સાથે 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ વકી છે.
આજી-3 અને ન્યારી-2 ડેમમાં નવા નીરની આવક
રાજકોટ જિલ્લામાં ગોંડલના વેરીમાં 15, રાજકોટના આજી-1માં 10, લાલપરીમાં 20, લોધીકાના ન્યારી-1માં 11, અમરેલીના સાકરોલી ડેમમાં 23, ખંભાળીયાના ઘી જળાશયમાં 10, ભાણવડના સોનમતી જળાશયમાં 10, વેરાડીમાં 10, મિનસરમાં 10, જામ કલ્યાણપુરના ડેમમાં 5, લાલપુરના સસોઇમાં 5, જામ જોધપુરમાં ફલઝરમાં 35, લાલપુરના ફલઝર-2માં 25, પોરબંદરના સોરઠી ડેમમાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આજી-3 અને ન્યારી-2 ડેમમાં પણ એક ફૂટ સુધીના નવા નીરની આવક થઇ હતી.
વીજળી પડવાથી સાત ભેંસોના મોત
રવિવારે ભારે પવન સાથે વરસાદ વરસતા સૌરાષ્ટ્રમાં સાત ભેંસના મોત થયા છે. જેમાં લાલપુરના નાંદુરી ગામે વાડી-વિસ્તારમાં વીજળી પડતા બે ભેંસના મૃત્યુ નીપજ્યા હતા. વિજલપર ગામે ગોગનભાઇની વાડીમાં વીજળી પડતા 3 ભેંસના મોત નિપજ્યા હતા. તેમજ વીરમદળ અને હર્ષદપુર ગામે પણ વીજળી પડવાને કારણે એક-એક ભેંસનું મોત થયું હતું.
ગોંડલમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા
ગોંડલમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદને લીધે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી બન્યા હતા અને પાલિકા સેનીટેશન વિભાગ સતત દોડતું હતું. તેમજ 15 જેટલા વૃક્ષો હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો. ગોંડલની તિરૂમાલા સોસાયટીમાં એક મંડપ ધરાશાયી થતાં યુવાનો દોડી ગયા હતા અને લાકડા તેમજ ટેકાના સાચવીને ઉતારી લીધા હતા.
જિલ્લો તાલુકો વરસાદ
વલસાડ ધરમપુર 3 ઇંચ
સુરત ઉમરાપાડા 3 ઇંચ
મોરબી ટંકારા 1.5 ઇંચ
અમદાવાદ ધોળકા 1.5 ઇંચ
સુરેન્દ્રનગર મૂળી 1.5 ઇંચ
પોરબંદર કુતિયાણા 1.5 ઇંચ
દ્વારકા ખંભાળિયા 1 ઇંચ
બોટાદ બોટાદ 1 ઇંચ
મોરબી વાંકાનેર 1 ઇંચ
રાજકોટ રાજકોટ 1 ઇંચ
જામનગર જામજોધપુર 1 ઇંચ
રાજકોટ પડધરી 1 ઇંચ
રાજકોટ ગોંડલ 0.5 ઇંચ