પંજાબની સંગરૂર લોકસભા બેઠક પર ઝાડુને ઝટકો, શિરોમણી અકાલી દળની જીત: સાત વિધાનસભા બેઠકોમાં ભાજપને ત્રણ, કોંગ્રેસને બે અને એક-એક બેઠક આપ અને વાયએસઆરસીપીના ખાતે ગઈ
ચૂંટણી પંચે સાત વિધાનસભા બેઠક અને ત્રણ લોકસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીના પરિણામ જાહેર કર્યા છે. ભાજપે ત્રણ લોકસભા બેઠકમાંથી બે પર જીત મેળવી છે. ત્યારે એક બેઠક શિરોમણી અકાળી દળને મળી છે. આ ઉપરાંત સાત વિધાનસભા બેઠકમાંથી ભાજપે ત્રણ, કોંગ્રેસે બે અને એક-એક બેઠક આપ અને વાયએસઆરસીપીના ખાતે ગઈ છે.
ઉત્તર પ્રદેશની આઝમગઢ લોકસભા બેઠક પર ભાજપના ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆએ ભારે મત સાથે જીત નોંધાવી છે. નિરહુઆએ સપાના ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવને હરાવ્યા છે. ત્યારે ઉત્તર પ્રેદશની રામપુર લોકસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણી પણ ભાજપના ફાળે ગઈ છે. અહીં ભાજપ ઉમેદવાર ધનશ્યામ લોધીએ સમાજવાદી પાર્ટીના નેતા આસિમ રાજાને હરાવ્યા છે. ધનશ્યામ લોધી આ પહેલા બે વખત એમએલસી રહી ચૂક્યા છે. તેમણે આ વખતે ભાજપનો હાથ થામ્યો છે. આ પહેલા તેઓ સપામાં હતા અને આઝમ ખાનના ખુબ જ નજીકના માનવામાં આવતા હતા. વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ આઝમગઢ લોકસભા બેઠક પરથી સપા અધ્યક્ષ અખિલેશ યાદવને અને રામપુર બેઠક પરથી સપાના આઝમ ખાને રાજીનામું આપ્યું હતું.
પંજાબની સંગરૂર લોકસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીના પરિણામે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. આ પેટા ચૂંટણીમાં શિરોમણી અકાલી દળના ઉમેદવાર સિમરનજીત સિંહ માને જીત નોંધાવી છે. રાજ્યમાં ત્રણ મહિના પહેલા સરકાર બનવા છતાં ભગવંત માન તેમનો ગઢ બચાવવામાં નિષ્ફળ રહ્યા. આ બેઠક પર ભગવંત માને 2019 ની લોકસભા ચૂંટણી જીતી હતી. વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય પસંદ કરવામાં આવ્યા બાદ આ બેઠક પરથી ભગવંત માને રાજીનામું આપ્યું હતું. જે બાદ અહીં પેટા ચૂંટણી યોજાઈ હતી.
ચાર રાજ્યની સાત વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. ત્રિપુરાની ચાર અને આંધ્ર પ્રદેશ, ઝારખંડ તેમજ દિલ્હીની એક-એક વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીના પરિણામ સામે આવ્યા છે. આ તે બેઠકો છે જેના પર ચૂંટણી યોજાઈ- આંધ્ર પ્રદેશની આત્માકુર, ઝારખંડની માંડર, દિલ્હીની રાજેન્દ્ર નગર, ત્રિપુરાની અગરતલા, જુબારાજગર, સુરમા અને બારદોલી ટાઉન. ત્યારે બે રાજ્યોની ત્રણ લોકસભા બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં યુપીના આઝમગઢ તેમજ રામપુર અને પંજાબના સંગરૂર લોકસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું.
આંધ્ર પ્રદેશમાં સત્તાધારી વાઈએસઆરસીપીએ આત્માકુર વિધાનસભા બેઠક પર જીત પ્રાપ્ત કરી છે.
ત્રિપુરાની ચાર વિધાનસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીમાં ભાજપે ત્રણ અને કોંગ્રેસે એક બેઠક પર જીત નોંધાવી છે. દિલ્હીની રાજેન્દ્ર નગર વિધાનસભા બઠક પર પેટા ચૂંટણીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીના દુર્ગેશ પાઠકે જીત નોંધાવી છે. ઝારખંડની માંડર વિધાનસભા બેઠક પર કોંગ્રેસની શિલ્પી નેહા તિર્કી જીતી છે.