અમેરિકાની FBIએ મીર પર રૂ. 40 કરોડનું ઇનામ જાહેર કર્યું હતું !!
મુંબઈમાં 2008ની 26મી નવેમ્બરે (26/11)ના આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ સાજિદ મીરની કથિત રીતે પાકિસ્તાનમાં ધરપકડ કરાઈ છે. એફબીઆઈએ સાજિદ મીરને ’મોસ્ટ વોન્ટેડ’ આતંકી જાહેર કર્યો છે. અમેરિકન એજન્સીએ મીર વિરુદ્ધ વિદેશી સરકારની સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવા, આતંકીઓને મદદ કરવા, અમેરિકા બહાર તેના નાગરિકની હત્યા કરવા અને જાહેર સ્થળો પર બોમ્બમારો કરવાના આરોપમાં ’મોસ્ટ વોન્ટેડ’ જાહેર કર્યો હતો.
મુંબઈ હુમલામાં માર્યા ગયેલા 166 લોકોમાંથી છ અમેરિકન હતા. એફબીઆઈએ મીરની ધરપકડ અને દોષસિદ્ધિ માટે માહિતી આપનારને 50 લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું. પાકિસ્તાન સરકાર હંમેશાથી સાજિદ મીર અંગે જુઠ્ઠાણું ચલાવી રહી છે. પાકિસ્તાને હંમેશા સાજિદ મીરની હયાતીનો ઈનકાર કર્યો છે. પાકિસ્તાને તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે સાજિદ મીર માર્યો ગયો છે. પરંતુ હવે પાકિસ્તાન આર્થિક કંગાલિયતના આરે આવી ગયું છે અને એફએટીએફ પાસેથી રાહતની આશા રાખી રહ્યું છે એવામાં તે પોતાના પર લાગેલા આતંકને પોષતું હોવાનું કંલક દૂર કરવા માગે છે.
સાજિદ મીર પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા માટે પ્રત્યક્ષરૂપે કામ કરતો હતો. સાજિદ મીર સાથે મળીને તોયબાએ આઈએસઆઈની મદદ અને સમર્થનથી મુંબઈમાં હુમલા કર્યા હતા. આતંકીઓ મુંબઈમાં હતા ત્યારે સાજિદ મીર પાકિસ્તાનમાં તેમનો કંટ્રોલર હતો અને બધી માહિતી આપતો હતો.
મીર અંગે વધુ માહિતી નથી, પરંતુ અમેરિકન એજન્સીઓનું માનવું છે કે તે 2001થી તોયબાનો ટોચનો આતંકી રહ્યો છે. 2006થી 2011 સુધી તેણે તોયબા તરફથી વિવિધ આતંકી હુમલાની યોજનાઓ બનાવી હતી. એફબીઆઈનું માનવું છે કે તેણે 2008 અને 2009 વચ્ચે ડેનિશ અખબાર અને તેના કર્મચારીઓ વિરુદ્ધ આતંકી હુમલાનું કાવતરું રચ્યું હતું. એફબીઆઈએ 22 એપ્રિલ, 2011ના રોજ સાજિદ મીર સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. સાજિદ મીર દાઉદ ગિલાની ઉર્ફે ડેવિડ કોલમેન હેડલીનો હેન્ડલર હતો. હેડલી પાકિસ્તાની-અમેરિકન ડબલ એજન્ટ હતો, જેણે લશ્કર-એ-તોયબાની આતંકવાદી ટીમને મુંબઈ હુમલા માટે તૈયાર કરી હતી.’
પાક. નું એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા હવાતિયા ?!!
પાકિસ્તાન સાજિદ મીરની ધરપકડ કરીને બતાવવા માંગે છે કે તે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યુ છે. આ ધરપકડને એફએટીએફની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવાની યોજના કહેવામાં આવી રહી છે. પાકિસ્તાન જૂન 2018 થી એફએટીએફની ગ્રે લિસ્ટમાં સામેલ છે. આ વખતે જર્મનીમાં યોજાયેલી બેઠકમાં એફએટીએફએ કહ્યું હતું કે તે ગ્રાઉન્ડ ટેસ્ટ કર્યા બાદ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવાનો નિર્ણય કરશે. આવી સ્થિતિમાં પાકિસ્તાન બતાવવા માંગે છે કે તે આતંકવાદ વિરુદ્ધ ખુલ્લેઆમ કાર્યવાહી કરી રહ્યું છે.
નાર્કો-ટેરરિઝમ: લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલા 4 કાશ્મીરી આતંકવાદી ઝડપાયા !!
જમ્મુ કાશ્મીર પોલીસે શુક્રવારે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના ચાર સહયોગીઓની ધરપકડ સાથે નાર્કો-ટેરરિઝમ ફંડિંગ મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે લશ્કર સાથે સંકળાયેલા સંગઠનો સક્રિય આતંકવાદીઓ અને અન્ય લશ્કરના ઓપરેટિવ્સને માદક દ્રવ્યોના વેચાણની આવક વહેંચીને સંગઠનને લોજિસ્ટિક સપોર્ટ પ્રદાન કરવામાં સામેલ હતા. સૈન્યની 53આરઆર, સીઆરપીએફની 181 બટાલિયન અને પોલીસની સંયુક્ત ટીમે ધરપકડ કરી હતી અને ચાર જણ પાસેથી ત્રણ ગ્રેનેડ, બે એકે મેગેઝિન, એકે-47ના 65રાઉન્ડ દારૂગોળો અને અન્ય ગુનાહિત વસ્તુઓ અને વિસ્ફોટક પદાર્થો જપ્ત કર્યા હતા. ધરપકડ કરાયેલા આતંકીઓની ઓળખ યુનુસ મંજૂર, મહેબૂબ અહેમદ, ઇર્શાદ અહમદ ગની અને મુઝફ્ફર અહમદ તરીકે કરવામાં આવી છે, જે તમામ બડગામના રહેવાસી છે.