સાતમા નોરતે અબતક રજવાડી રાસ મહોત્સવના ખેલૈયાઓ સાતમાં આસમાને: રાજસ્થાની લોકગીતોને ગરબાના લયમાં ઢાળી મીરબંધુઓએ કરી જમાવટ: રાધા સંગ કાન ગોપી રમવા ઉતર્યા જેવો માહોલ છવાયો: બે રાજયોની કલાઓનાં સંગમથી રાસ-રસીકો મધરાત સુધી ગરબે ઘૂમ્યા: આજે આઠમાં નોરતે ખેલૈયાઓને કંઈક નવુ પીરસવા આયોજકો ચાતુર
નવલી નોરતાનો આજે આઠમો દિવસ છે. આજના દિવસે શકિતની ઉપાસનાથી અમોધ સિધ્ધિની પ્રાપ્તી થાય છે. સતત સાત દિવસ અવનવા શણગાર સજી ખેલૈયાઓએ રાજકોટ શહેરમાં ધૂમ મચાવી છે. પ્રાચીન અને અર્વાચીન ગરબાઓમાં ખેલૈયાઓને રોજ અવનવા આકર્ષણ ઈનામો મળવાથી ખેલૈયાઓ બીજા દિવસે પણ નવા જોશ અને ઉમંગ સાથે ગરબે ધૂમવા મેદાને ઉતરી પડે છે.શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી રજવાડી રાસોત્સવનું આયોજન થઈ રહ્યું છે. જયારે આ વર્ષે રજવાડી સાથે અબતક મિડિયા હાઉસ જોડાતા સોનામાં સુગંધ ભળ્યા જેવો માહોલ છવાઈ ગયો છે. અવ્વલ અબતક રજવાડી રાસ મહોત્સવને નિહાળવા દરરોજ હજારો લોકો ઉમટી પડે છે. આયોજકોને લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. નવાનવા આયોજનો સાથે અબતક રજવાડી રાસ મહોત્સવના સાત દિવસ સુખમય પૂર્ણ થયા છે. ત્યારે ખાત ગઈકાલે સાતમાં નોરતે અબતક રજવાડીનાં થનગનાટમાં મીર બંધુઓએ જમાવટ કરી હતી.સાતમા નોરતે ‘અબતક રજવાડી’માં રાજસ્થાનના કલાકારોએ પોતાની આગવી શૈલીમાં ખેલૈયાઓને થીરકવા મજબૂર કરી દીધા હતા.ફકીરા એન્ડ ખેતાગ્રુપ રાજસ્થાનના ખેતા ખાન અને ફકીરા ખાનની ગીત સંગીતની કલાએ ધૂમ મચાવી હતી. રાજસ્થાની કલાના કસબીઓએ સ્ટેજ પરથી ઉતરીને ખેલૈયાઓ વચ્ચે આવી તમામનું અભિવાદન ઝીલ્યું હતુ પોતાના ગીતોથી મીરબંધૂએ દર્શકો અને રાસ રસીકોને મંત્રમુગ્ધ કર્યા હતા. રાજસ્થાની લોકગીતોને ગુજરાતી ગરબાના સૂરતાલમાં ઢાળી રઢીયાળી રાતમાં રંગત જમાવી હતી.સાતમાં નોરતે પણ ખેલૈયાઓનાં ઉત્સાહને વધારવા આયોજકો તરફથી ખેલૈયાઓને આકર્ષક ઈનામો અપાયા હતા. રાસ-રસીયાઓએ પણ ખૂબ જોશપૂર્વક અને નવા ઉત્સાહ સાથે સાતમા નોરતાની રંગત માણી હતી.આજે આઠમાં નોરતે પણ બમણા ઉત્સાહ અને ઉમંગ સાથે અબતક રજવાડી રાસ મહોત્સવમાં ખેલૈયાઓ ઉમટી પડશે.