મંત્રી એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના 30 ધારાસભ્યોનાં સુરતમાં ધામા: ભાજપના ટોચના નેતાઓ સાથે સતત સંપર્કમાં: 24-48 કલાકમાં મોટા રાજકીય ધડાકાની સંભાવના
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે એક મહારાષ્ટ્રીયન એવા સી.આર.પાટીલની નિમણુંક ભાજપ હાઈ કમાન્ડ દ્વારા કરવામાં આવી ત્યારે રાજકીય પંડિતોના મગજ પણ ચકરાવે ચડી ગયા હતા. સાડા છ કરોડ ગુજરાતની છોડી એક મહારાષ્ટ્રીયનની નિમણુંક શા માટે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. ભાજપે પાટીલ પાવર ચલાવી એક સાથે બે રાજયો સર કરવાનો પાયો નાંખી દીધો છે. શિવસેના સાથે મન ખાટા થયાબાદ મહારાષ્ટ્રમાં વિધાનસભાની સૌથી વધુ એક બેઠક હોવા છતાં સત્તા વિહોણી ભાજપ હવે મહારાષ્ટ્રમાં સત્તા સુખ મેળવવા આગળ ધપી રહી છે. વિધાન પરિષદની ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં જબરો રાજકીય ભૂકંપ આવ્યો છે.
એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બને તેવી ચાલતી અટકળો
ગમે તે ઘડીએ પાડોશી રાજયમાં અઘાડી સરકારનું ધબાય: નમ: થઈ જાય અને ભાજપના સહયોગથી શિવસેનાના નારાજ મંત્રીઓ અને ધારાસભ્યો સરકાર બનાવે તેવા સંજોગો દેખાય રહ્યો છે. આગામી 24 થી 48 કલાકમાં મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલ પાથલ થશે તે નિશ્ર્ચિત મનાય રહ્યું છે. મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન માટે પાટીલ પાવર કામ કરી જશે. મહારાષ્ટ્રના રાજકારણમાં જોરદાર ગરમાવો આવી ગયો છે. શિવસેનાના 30 નારાજ ધારાસભ્યોએ આજે મંત્રી એકનાથ શિંદેની આગેવાનીમાં દક્ષિણ ગુજરાતમાં પડાવ નાખ્યો છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થાય તો પણ નવાઈ નહીં. શિવસેનાના આ તમામ ધારાસભ્યો ગુજરાત ભાજપના મોટા નેતાઓનાં સંપર્કમાં છે. ગમે તે ઘડીએ નવા ધડાકા થાય તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. 11 ધારાસભ્યો અગાઉ રોડ માર્ગ સુરત આવ્યા હતા બાકીના ધારાસભ્યો આજે સવારે સુરત આવી પહોચ્યા હતા. મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ ઈમરજન્સી બેઠક બોલાવી છે.
મહારાષ્ટ્રમાં શિવસેના પ્રેરિત અઘાડી સરકારમાં બધુ બરાબર ચાલતુ નથી. વિધાન પરિષદની ચૂંટણી બાદ અસંતોષનો ચરૂ વધુ ઉકળી રહ્યો છે. દરમિયાન મહારાષ્ટ્રના શિવસેનાના નારાજ 30 ધારાસભ્યોએ ગુજરાતના સુરતમાં ધામા નાખ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરતની એક શાનદાર હોટલ અને રિસોર્ટમાં એકનાદ શિંદેની આગેવાનીમાં સુરતમાં કેમ્પ કર્યો છે. આ ધારાસભ્યો ગુજરાત ભાજપના કેટલાક ટોચના નેતાઓને પણ મળ્યા હોવાની ચચાઓ ચાલી રહી છે. મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ મચી જવા પામી છે.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં વિધાન પરિષદના 10 સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસે બબ્બે સહિત છ ઉમેદવારો અને ભાજપે 5 ઉમેદવાર સહિત 10 બેઠકો માટે 11 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. આ ચૂંટણીના મતદાનમાં 285 ધારાસભ્યોએ મતદાન કર્યું હતુ. મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી બાદ રાજકારણ ગરમાયું છે. શિવસેના પ્રેરિત અઘાડી સરકારમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે બરાબર જામતુ નથી. ધારાસભ્યોમાં પણ ભયંકર અસંતોષ જોવા મળી રહ્યો છે.
દરમિયાન મહારાષ્ટ્રના શિવસેનાના નારાજ 30 ધારાસભ્યોએ એકનાથ શીંદેની આગેવાનીમાં ગુજરાતના સુરતની એક આલીશાન હોટલ અને સુરત નજીકનાં એક રિસોર્ટમાં ધામા નાખ્યા છે. આ ધારાસભ્યો ગુજરાત ભાજપના કેટલાક ટોચના નેતાઓને મળ્યા હોવાની વાતે પણ હાલ વેગ પકડયો છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના નારાજ ધારાસભ્યો ભાજપ સાથે મળી વર્તમાન સરકારને ઉથલાવી નવી સરકાર રચવા માંગતા હોવાની વાતોએ પણ વેગ પકડયો છે. છેલ્લા ઘણા સમયથી અઘાડી સરકારમાં બધુ બરાબર ચાલતુ નથી ગમે ત્યારે મહારાષ્ટ્ર સરકાર કડડડભૂસ થઈ જાય તેવી સંભાવના પણ હજી નકારી શકાતી નથી.શિવસેનાના નારાજ 30 ધારાસભ્યોએ સુરતમાં કેમ્પ કરતા મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન માટે ગુજરાત મહત્વનો રોલ ભજવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.
ભાજપ અને શિવસેનાએ વર્ષોથી એક સાથે રહી ચૂંટણી લડી છે. દરમિયાન વિધાનસભાની ગત ચૂંટણીમાં મુખ્યમંત્રી પદની વહેચણીના મામલે બંને વચ્ચે ગજગ્રાહ સર્જાયો હતો જેના કારણે શિવસેનાના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને અઘાડી સરકાર રચી હતી ત્રણ વર્ષ સુધી બધુ બરાબર ચાલ્યા બાદ હવે મહારાષ્ટ્રના રાજકારણનો ચરૂ ઉકળી રહ્યો છે. ગમે ત્યારે નવો ઘટસ્ફોટ થવાની પ્રબળ સંભાવના છે.
મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ ઈમરજન્સી બેઠક બોલાવી
મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે સહિત શિવસેનાના 30 ધારાસભ્યો આજે સુરત આવી ગયા છે. એક સાથે 30 ધારાસભ્યોએ બળવો પોકારતા ઉધ્ધવ સરકાર સંકટમા મૂકાઈ ગઈ છે.
દરમિયાન મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ બપોરે 12 કલાકે ધારાસભ્યો સાથે ઈમરજન્સી બેઠક બોલાવી હતી.
મહારાષ્ટ્રની અઘાડી સરકારમાં મોટાપાયે ફેરફારની સંભાવના દેખાય રહી છે. આગામી 24 થી 48 કલાકમાં મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલ પાથલ થવાની સંભાવના જણાય રહી છે.
‘ઓપરેશન મહારાષ્ટ્ર’ પાર પાડવાની જવાબદારી પાટીલના શીરે
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની સરકાર બને તે માટે ઓપરેશન પાર પાડવાની જવાબદારી ગુજરાત પ્રદેશ ભાજપ અધયક્ષ સી.આર. પાટીલને સોંપવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે.
પાટીલ મુળ મહારાષ્ટ્રીયન છે. અને પાડોશી રાજયનાં કેટલાક મોટા નેતાઓ સાથે સારો એવો ધરોબો ધરાવે છે. હાલ મહારાષ્ટ્ર છોડી સુરતમાં આવેલા શિવસેનાના 30 નારાજ ધારાસભ્યો સતત પાટીલના સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
દિલ્હી હાઈકમાન્ડને પાટીલ પળેપળની માહિતી પહોચાડી રહ્યા છે. મોડીરાત સુધીમાં દિલ્હીથી પણ ભાજપના મોટા નેતાઓ ગુજરાતમાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
મહારાષ્ટ્રના ભાજપના 105 ધારાસભ્યોને પણ ગુજરાત લવાશે
શિવસેનાના ધારાસભ્યોને સુરત લાવીને ઉદ્ધવ સરકાર ઊથલાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આવામાં ભાજપે પોતાના 105 ધારાસભ્યને સાચવવા ગુજરાતની વાટ પકડી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એક તરફ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના સરકાર સંકટમાં મુકાઈ છે. ત્યારે બીજી તરફ, ભાજપે સરકાર બનાવવી હોય તો શિવસેનાને તોડવા ઉપરાંત પોતાના ધારાસભ્યમાંથી કોઈ તૂટે નહીં એ ધ્યાન રાખવું જરુરી બન્યું છે. આ કારણથી જ હવે મહારાષ્ટ્રના ભાજપી ધારાસભ્યોને એકત્ર કરીને વિશેષ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી સીધા રિસોર્ટ અથવા ક્લબમાં લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાંથી ભાજપના જે ધારાસભ્યોને લાવવામાં આવી રહ્યા છે તેઓ આજે મોડી સાંજ સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર આવી શકે છે.
માથાકૂટ બાદ એક ધારાસભ્યની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ
મહારાષ્ટ્રથી સુરત આવેલા શિવસેનાના 30થી વધુ ધારાસભ્યોમાંથી એક ધારાસભ્યની તબિયત લથડી હતી. નીતિન દેશમુખ બાળાપૂર(અકોલા)ની તબિયત લથડી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.સવારે ચાર વાગ્યે સિવિલ લવાયા હોવાથી સિવિલ હોસ્પિટલમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નીતિન દેશમુખને અહીં લાવવા બદલ એકનાથ શિંદે સાથે ઉગ્ર બોલ ચાલ થઈ હતી. તેઓ હોટલની બહાર આવવા ઈચ્છતા હતા, પરંતુ પોલીસે તેમને રોક્યા બાદ નીતિન દેશમુખે બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મચારીઓ સાથે પણ માથાકૂટ કરી હતી. ત્યાર બાદ તેઓ હોટલમાં બહાર આવીને બેસી ગયા હતા, પણ કોઈ વાહન ન હોવાને કારણે તેઓ ત્યાં 15 મિનિટ સુધી બેસી રહ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયત લથડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
હવે વધુ 13 ધારાસભ્યો બળવો કરશે તો સરકાર તૂટશે
મહારાષ્ટ્રમાં જો 13 ધારાસભ્યો બળવો કરશે તો સરકાર પડી જશે. વાસ્તવમાં રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેને 153 ધારાસભ્યોનું સમર્થન મળ્યુ છે. સરકાર બનાવવા માટે 144 ધારાસભ્યો જોઈએ.કારણ કે હાલમાં એક બેઠક ખાલી છે. જો શિવસેનામાં ભાગલા પડશે તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ પક્ષ બદલી શકે છે.
શિવસેનાથી નારાજ થઈ સુરતમાં આવેલા ધારાસભ્યો