ગુરૂભગવંતોને મુખ્ય પ્રવેશ દ્વારા ઉપર મહિલા મંડળના બહેનો ગહુલી કરીને આવકારશે
વાસુપૂજ્ય જિનાલયે પરમ પૂજય મુનિરાજ જિનેન્દ્ર રત્ન વિજયજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય મુનિરાજ સુભાષિત વિજયજી મહારાજ સાહેબ ભવ્યાતિ ભવ્ય ચાતુર્માસ પ્રવેશ. પરમ પૂજય મુનિરાજ જીતેન્દ્ર રત્ન વિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજય દિક્ષા દાનેશ્વરી ગુણરત્ન સૂરિશ્ર્વરજી મહારાજ સાહેબના આચાર્ય જયસુંદર સુરીશ્ર્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન છે.
ગુરૂ ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ અષાઢ સુદ-2 શુક્રવાર સવારે 8-00 કલાકે થશે. વાસુપૂજય જિનાલયે પરમ પૂજય મુનિરાજ જિનેન્દ્ર રત્ન વિજયજી મહારાજ સાહેબ તથા પરમ પૂજય મુનિરાજ સુભાષિત વિજયજી મહારાજ સાહેબનું ચાતુર્માસ પ્રવેશનું સામૈયું શ્રી મહાવીર સ્વામી જિનાલય જીનતાન રોડ, પૂર્વ વિભાગથી શરૂ થશે અને સુરેન્દ્રનગરના રાજ માર્ગ ઉપરથી પસાર થઈ વાસુપૂજય જિનાલયે આવશે.
ગુરૂ ભગવંતોને વાસુપૂજય જિનાલયના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર મહિલા મંડળના બહેનો ગહુલી કરીને આવકારશે અને અક્ષતથી ગુરૂદેવનાં વધામણા કરશે. અને મંગળ ગીતો ગાશે. આ સમયે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી મનીરભાઈ / નરેન્દ્રભાઈ પ્રમુખ પ્રફુલભાઈ તથા કારોબારી સભ્યઓ ઉપસ્થિત રહીને ગુરૂદેવને આવકારશે. તે સમયે જૈન સમાજના દરેક સભ્યો હાજર રહેશે.
પૂજય ગુરૂદેવ જિનેન્દ્રરત્ન મહારાજ સાહેબે સુરેન્દ્રનગરમાં સંવત-2050માં તથા સંવત-2062માં તેઓશ્રીના ગુરૂદેવ પૂજય ગુણરત્ન સૂરીશ્ર્વરજી મહારાજ સાહેબ સાથે બે ચાતુર્માસ કરેલા છે. પૂજય ગુરૂદેવ જિનેન્દ્રરત્ન મહારાજ સાહેબના હસ્તે લખાયેલ પુસ્તકોની કોપી ટોટલ 68,000 વેચાય ગયેલ છે. જેમાં મિલે મન ભિતર ભગવાન અને પર્યુષણ પ્રસાદી આ બે પુસ્તકો મુખ્ય છે. પૂજય ગુરૂદેવનાં બે બહેનોએ દિક્ષા અંગીકાર કરેલ છે. પૂજયશ્રીએ 16 વર્ષની વયે દિક્ષા અંગીકાર કરેલ છે. તેઓના 34 વર્ષ દિક્ષા પર્યાયમાં 50,000 કી.મી.નો વિહાર કરેલ છે અને 50 છરી પાલીત સંઘમાં પ્રયાણ કરેલ હતુ. તેઓએ 21 નવપદની ઓળી કરેલ છે અને 21 વર્ધમાન તપની ઓળી કરેલ છે.