અગ્નિપથનો વિરોધ યથાવત, આજે ભારત બંધનું એલાન: સરકારે વિરોધને અવગણીને યોજનાની આગળની કાર્યવાહીમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું
તું ન થકેગા કભી, તું ન રુકેગા કભી, તું ન મુડેગા કભી, કર શપથ, કર શપથ, કર શપથ, અગ્નિપથ… અગ્નિપથ… અગ્નિપથ…ભારત માટે હવે અગ્નિપથ ઉપર ચાલવુ અત્યારે ખૂબ જરૂરી બની ગયું છે. સરકાર પોતની સાથે દેશના યુવાનોને પણ અગ્નિપથ ઉપર ચલાવવા ઈચ્છે છે પણ તેની સામે વિરોધનો સુર ઉઠ્યો છે. એમ છતાં સરકાર મક્કમ બની છે. સરકારે આ અગ્નિપથ કોઈ પણ સંજોગોમાં ન છોડવાનો નિર્ણય લીધો છે.
અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશના અનેક રાજયોમાં તોફાનો ચાલુ રહ્યા છે. વિરોધ કરનારા તત્વોએ ટ્રેનો, બસો સહિતની અનેક મિલકતો સળગાવીને હિંસા ફેલાવી છે. આ વિરોધ દરમિયાન પણ સરકારે અગ્નિપથ ન છોડવાની મક્કમતા જાહેર કરી છે. જેના પગલે ભારત બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે. ભારતીય સેનાએ રવિવારે ’અગ્નિપથ સેનાભારતી યોજના’ હેઠળ સેનામાં જોડાવા માંગતા અરજદારો માટે માર્ગદર્શિકા અને અન્ય સંબંધિત માહિતી જારી કરી હતી. સેનાએ કહ્યું કે ’અગ્નવીર’ ભારતીય સેનામાં એક અલગ કેટેગરી હશે જે હાલના રેન્કથી અલગ હશે અને તેને કોઈપણ રેજિમેન્ટ અથવા યુનિટમાં પોસ્ટ કરી શકાય છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે ઓફિશિયલ સિક્રેટ એક્ટ, 1923 હેઠળ, ’અગ્નિવીર’ને ચાર વર્ષની સેવા દરમિયાન મળેલી ગોપનીય માહિતી કોઈપણ અનધિકૃત વ્યક્તિ અથવા સ્ત્રોતને જાહેર કરવા પર પ્રતિબંધ હશે.
સેનાએ કહ્યું, “આ યોજનાના અમલીકરણ સાથે, આર્મીની મેડિકલ શાખાના ટેકનિકલ કેડર સિવાય, અન્ય તમામ સામાન્ય કેડરમાં સૈનિકોની ભરતી ફક્ત તે જ લોકો માટે ખુલ્લી રહેશે જેમણે અગ્નિવીર તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે.”
સેનાએ એક રિલીઝમાં કહ્યું કે ’અગ્નવીર’ તેની સેવાનો સમયગાળો પૂરો થાય તે પહેલા પોતાની સ્વતંત્ર ઇચ્છાથી સેના છોડી શકશે નહીં. “જો કે, ખૂબ જ દુર્લભ કિસ્સામાં, આ યોજના હેઠળ ભરતી કરાયેલા સૈનિકને સક્ષમ અધિકારીની પરવાનગી સાથે સૈન્ય છોડવાની મંજૂરી આપવામાં આવશે.”
ઉલ્લેખનીય છે કે 14 જૂને કેન્દ્ર સરકારે ’અગ્નિપથ સ્કીમ’ની જાહેરાત કરી હતી, જે અંતર્ગત સાડા 17 વર્ષથી 21 વર્ષની વયજૂથના યુવાનોને ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે અને તેમાંથી 25 ટકાને સેનામાં રાખવામાં આવશે. જે આગામી 15 વર્ષ માટે નોકરીમાં જશે. જો કે, બાદમાં સરકારે 2022 માં ભરતી માટેની મહત્તમ વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી હતી.
પ્રદર્શનકારી યુવાનો ” અગ્નિવીર” નહિ બની શકે: સેનાનું એલાન
આર્મી, નેવી અને એરફોર્સના પ્રતિનિધિઓએ અગ્નિપથ હેઠળ ભરતીનો વિગતવાર કાર્યક્રમ રજૂ કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે ત્રણેય દળોની સરેરાશ ઉંમર ઘટાડવા માટે તેનો અમલ કરવો જરૂરી છે. સંરક્ષણ મંત્રાલયમાં લશ્કરી બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ જણાવ્યું હતું કે, “હિંસા અને આગચંપી કરનારા યુવાનોને ભરતીમાં તક મળશે નહીં કારણ કે નિમણૂક પહેલાં પોલીસ ચકાસણી જરૂરી છે.” સેનામાં અનુશાસનહીનતાને કોઈ સ્થાન નથી.
કોઈપણ જે સેનાનો ભાગ બનવા માંગે છે તેણે એફિડેવિટ આપવું પડશે કે તે આવી કોઈ પ્રવૃત્તિનો ભાગ નથી. તેમણે કહ્યું કે, આ યોજના લાંબા સમયથી પેન્ડિંગ સુધારાઓ હેઠળ લેવાયેલું એક પગલું છે. કારગીલ સમીક્ષા સમિતિએ પણ તેની ભલામણ કરી હતી. સરકારે તેનો અમલ કરતા પહેલા ઘણા દેશોની ભરતી પ્રક્રિયા અને અવધિનો અભ્યાસ કર્યો હતો. પુરી ઉપરાંત સેનાના એડજ્યુટન્ટ જનરલ લે. જનરલ બંસી પોનપ્પા, નેવી ચીફ ઓફ રિક્રુટિંગ વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠી અને એર ફોર્સ રિક્રૂટિંગના ઈન્ચાર્જ એર માર્શલ એસકે ઝાએ યોજના અંગેની શંકાઓને દૂર કરી હતી.
વિરોધ પ્રદર્શન પાછળ કોચિંગ સંસ્થાઓની ભૂમિકા?
લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ દાવો કર્યો હતો કે દુશ્મન દળો સિવાય કેટલીક કોચિંગ સંસ્થાઓ યોજના સામેના વિરોધ પાછળ હતી. તેમણે કહ્યું કે, 70 ટકા યુવાનો જેઓ ભરતી થવા માંગે છે તેઓ આ કોચિંગ સંસ્થાઓમાં તૈયારી કરે છે. તેઓ લોન લઈને સંસ્થાઓને ફી ચૂકવે છે અને સંસ્થાઓ તેમને ભરતીની ખાતરી આપે છે. આ યુવાનોને રસ્તા પર લાવવામાં આ સંસ્થાઓની મહત્વની ભૂમિકા છે.
1989થી આ યોજના શરૂ કરવા કવાયત ચાલતી હતી, હવે પાછી નહિ જ ખેંચાઈ
જનરલ અનિલ પુરીએ કહ્યું કે, સૈન્યમાં આ સુધારો લાંબા સમયથી લાવવાની તૈયારી ચાલી રહી હતી. આ સ્કીમની માગ વર્ષ 1989માં કરાઈ હતી. સૈન્યમાં ભરતી માટે સૌથી પહેલી જરૂરિયાત શિસ્ત હોય છે, તેથી યુવાનોએ શાંત થઈને આ યોજનાને સમજવાની જરૂર છે. અમે કારગીલ સમીક્ષા સમિતિ અને અરૂણ સિંહ સમિતિના રિપોર્ટની ભલામણો મુજબ સૈન્યમાં વય પ્રોફાઈલ ઘટાડવા માગતા હતા. હાલમાં સરેરાશ વય 32 વર્ષ છે. હવે આર્મીમાં બધી જ ભરતી આ સ્કીમ હેઠળ થશે. આ સ્કીમ કોઈ કાળે પાછી નહી ખેંચાઈ.
યુવાનોને ગેરમાર્ગે દોરતા 35 વોટ્સએપ ગ્રુપ ઉપર મુકાયો પ્રતિબંધ
અગ્નિપથની જાહેરાત બાદ ભડકેલી હિંસામાં સોશિયલ મીડિયા પણ જવાબદાર છે. નવી સૈન્ય ભરતી યોજના ‘અગ્નિપથ’ વિશે નકલી સમાચાર ફેલાવવા બદલ કેન્દ્ર સરકારે રવિવારે 35 વોટ્સએપ ગ્રુપ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ બાદ સરકાર ખોટી માહિતી ફેલાવવા અને હિંસા ભડકાવવામાં સામેલ લોકો પર નજર રાખી રહી છે. અગ્નિપથ યોજના વિશે નકલી સમાચાર ફેલાવવા અને યુવાનોને ગેરમાર્ગે દોરવા બદલ ઓછામાં ઓછા 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ સ્કીમ સંબંધિત માહિતી તપાસવા માટે ફેક્ટ ચેક લાઇન પણ ખોલી છે.
આર્મીમાં ટૂંક સમયમાં અગ્નિવિરોની સંખ્યા 1.25 લાખ કરાશે
જનરલ અનિલ પુરીએ કહ્યું કે અમે પાયાના સ્તરે ક્ષમતા નિર્માણ કરવા અને યોજનાનું વિશ્લેષણ કરવા માટે આ વર્ષે 46,000 અગ્નિવીરોની ભરતી સાથે શરૂઆત કરીશું. આગામી 4-5 વર્ષોમાં અગ્નિવીરોની સંખ્યા 50 હજારથી 60 હજાર થઈ જશે અને ત્યાર પછી વધીને 1.25 લાખ સુધી થઈ જશે.
વિવિધ રાજ્યોની પોલીસમાં અગ્નિવીરોને પ્રાથમિકતા
અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલા દેખાવો વચ્ચે અસમ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક જેવા અનેક રાજ્યોએ પોલીસમાં અગ્નિવીરોને અગ્રતા આપવાની જાહેરાત કરી છે.
આર્મીમાં ઓગસ્ટથી ભરતી શરૂ, ફેબ્રુઆરીથી બીજી બેચની ભરતી કરાશે
લેફ. જન. બંસી પોનપ્પાએ કહ્યું કે, આર્મીએ સોમવારે જાહેરનામું બહાર પાડયું છે હવે પછી 1લી જુલાઈ સુધીમાં વિવિધ ભરતી યુનિટ્સના જાહેરનામા આવશે. અગ્નિપથ યોજના હેઠળ અંદાજે 40,000 અગ્નિવીરોની ભરતી માટે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઑક્ટોબરમાં સમગ્ર દેશમાં 83 રેલીઓ યોજવામાં આવશે. અગ્નિવીરોની બીજી બેચ આગામી વર્ષે ફેબુ્આરી સુધીમાં સૈન્યમાં જોડાઈ જશે. અંદાજે 25,000 અગ્નિવીરોની પહેલી બેચ ડિસેમ્બર સુધીમાં સૈન્યમાં જોડાઈ જશે.
એરફોર્સમાં ડિસેમ્બરમાં પ્રથમ બેચ શરૂ કરાશે
એરમાર્શલ એસ. કે. ઝાએ કહ્યું કે, એરફોર્સમાં અગ્નિપથની પહેલી બેચ માટે 24મી જૂનથી રજિસ્ટ્રેશન શરૂ કરાશે. એક મહિના પછી 24 જુલાઈથી ઓનલાઈન પરિક્ષા શરૂ કરાશે. અગ્નિવીરોની પહેલી બેચ ડિસેમ્બરમાં સામેલ કરાશે, 30મી ડિસેમ્બરથી અગ્નિવીરોની તાલિમ શરૂ થઈ જશે. અગ્નિવીરોની સેવા શરતો નિયમિત સૈનિકો જેવી જ હશે.